સ્માર્ટ સિટી એરિયામાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામી રહ્યા છે 1144 ફ્લેટ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે સાંજે 5:00 કલાકે શહેરના સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ પામી રહેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટની પ્રગતિનું ડ્રોનથી નિરિક્ષણ કરવામાં આવશે. આવાસ યોજનામાં અદ્યતન ટેકનોલોજી થકી 1144 ફ્લેટનું નિર્માણ થઇ રહ્યું છે. જેમાં પ્રથમવાર લાભાર્થીને ફર્નિચર સાથેનો ફ્લેટ આપવામાં આવશે. મોટાભાગનું કામ હાલ પૂર્ણતાના આરે છે. ટૂંક સમયમાં તેનું લોકાર્પણ પણ કરી દેવામાં આવશે. આજે પીએમ દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટના ડ્રોન નિરિક્ષણ પૂર્વે ગઇકાલે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું અને વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પખવાડીયા પૂર્વે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું નિરિક્ષણ કરવામાં આવનાર હતું પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ મૌકૂફ રાખવામાં આવ્યો હતો. આજે સાંજે ડ્રોન દ્વારા નિરિક્ષણ કરવામાં આવશે. રાજકોટ ઉપરાંત શહેરના અલગ-અલગ 6 શહેરોમાં અલગ-અલગ ટેકનોલોજી દ્વારા આવાસ યોજનાનો નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ આવાસ યોજના પ્રમાણમાં સસ્તી અને ઝડપથી સાકાર થાય છે.
જેના કારણે સરકાર હવે નવી-નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આવાસનું નિર્માણ કરવા આગળ વધી રહી છે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા 1144 ફ્લેટમાં લાભાર્થીને ફર્નિચર પણ આપવામાં આવશે.
આ સ્થળ વિઝીટ દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સીટી એન્જી. એચ. યુ. ડોઢિયા, વાય. કે. ગૌસ્વામી, પી.એ.(ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, ગુજરાત ગેસના પ્રતિનિધિ રાજીવ પટેલ, માલાણી એજન્સીના પ્રતિનિધિ મનોજભાઈ માલાણી તેમજ પીજીવીસીએલનાં પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.