નરેન્દ્રભાઇ મોદીને આવકારવા સૌરાષ્ટ્રવાસીઓમાં જબરો ઉત્સાહ: અલગ-અલગ જિલ્લામાંથી મેદની રાજકોટ ઉમટશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી ગુરૂવારથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓના હસ્તે આગામી ગુરૂવારે રાજકોટ શહેરને રૂા.234 કરોડના વિકાસ કામોની ભેટ આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 27 જુલાઈએ રાજકોટ મહાનગરપાલિકાના રૂ. 234 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાશે, જે અન્વયે રૈયાધારમાં વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ, ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી સ્ટીલની પાઇપલાઇન, કોઠારિયામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અદ્યતન લાઈબ્રેરી, વિજય પ્લોટમાં નવું આરોગ્ય કેન્દ્ર, દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ સુધી કેકેવી ચોક સુધી ફ્લાયઓવર બ્રીજ સહિતના વિકાસ કામોની શહેરીજનોને ભેટ અપાશે.
શહેરમાં નાગરિકોની પાણીની સમસ્યામાં નિરાકરણ હેતુ ભારત સરકારની અમૃત-1 યોજના અંતર્ગત રાજ્ય સરકારના સહયોગથી પશ્ચિમ ઝોન વિસ્તારમાં રૈયાધાર ખાતે 50 એમએલડી ક્ષમતા તથા આધુનિક ઝીરો લીક્વીડ ડીસ્ચાર્જ ટેકનોલોજી ધરાવતો ડબલ્યુટીપી વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ તથા આનુસાંગિક હેડવર્કસ રૂ. 29.73 કરોડના ખર્ચે તથા ન્યારી-1 ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 1219 મીમી ડાયાની સ્ટીલ પાઈપલાઈન રૂ.41.71 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. તેમજ રૈયા સર્કલથી સોજીત્રાનગર હેડવર્કસ સુધી નવી 508 મીમી ડાયાની સ્ટીલ પાઈપલાઈન રૂ. 1.96 કરોડના ખર્ચે નાખવામાં આવેલ છે. જેનાથી આશરે 2.50 લાખ લોકોને લાભ મળશે.
પીવાના પાણીની સાથે સાથે ગટરના પાણીના શુદ્ધિકરણ હેતુથી કોઠારિયા વિસ્તારમાં 15 એમએલડી ક્ષમતાનો એસબીઆર ટેકનોલોજીનો સ્કાડા સંચાલિત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રૂ.24.72 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે.
રાજકોટ શહેરના નાગરિકોમાં વાંચનનો અભિગમ કેળવવાના આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ 8 લાઈબ્રેરી કાર્યરત છે. આ સુવિધામાં વધારો કરવા માટે શહેરના પૂર્વઝોનમાં રૂ. 8.39 કરોડના ખર્ચે એક અદ્યતન લાઈબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં વિવિધ વિષયોમાં 33 હજાર ગ્રંથોની સાથે સાથે 3200 જેટલા ડીજીટલ પ્રકાશનો તેમજ બાળકો માટે વિવિધ પ્રકારના 1930 જેટલા રમકડા તેમજ પઝલ્સનો સમાવેશ કરવામાં આવેલ છે.
શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.07 માં વિજય પ્લોટ વિસ્તારમાં નવું આરોગ્ય કેન્દ્ર 1.10 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેનાથી 30 હજાર નાગરિકોને આરોગ્યને લગત વધુ સારી માળખાકીય સુવિધાઓ મળી રહેશે.
ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકારના સહયોગથી તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર 4 બ્રીજનું લોકાર્પણ કરવામાં આવેલ છે તથા શહેરના ગૌરવપથ કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પુલ સુધી કેકેવી ચોક ખાતે સ્પ્લીટ ફ્લાયઓવર ઉપર ફોરલેન મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રીજ રૂ. 129.53 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. જેની લંબાઈ 1152.67 મીટર તથા પહોળાઈ 15.50 મીટર છે. આ બ્રીજની નીચે 7500 ચો.મી. પાર્કિંગ તથા બ્રીજની બંને બાજુ સર્વિસ રોડ, યુટીલીટી ડક્ટ તેમજ ફૂટપાથ ઉપરાંત વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ બ્રીજના નિર્માણથી અંદાજીત 2 થી 2.50 લાખ લોકો માટે ટ્રાફિક પરિવહન સરળ બનશે.
કાલાવડ રોડ ઉપર અંદાજીત રૂ.129.53.કરોડના ખર્ચે નિર્માણ પામેલા શહેરનાં પ્રથમ મલ્ટીલેવલ સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે થવા જઈ રહ્યું છે.
આ ફલાયઓવર બ્રિજની વિશેષતા એ છે કે, હયાત બ્રીજ ઉપર નવો બ્રીજ બનાવાયો છે. કે.કે.વી. ચોક પર ચીમનભાઈ શુક્લ ઓવરબ્રિજ પહેલાથી જ આવેલો હતો, ભવિષ્યમાં થનારી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈને રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બી.આર.ટી.એસ.બ્લુ કોરિડોર પર કે.કે.વી ચોક પર આવેલ બ્રિજ ઉપર નિષ્ણાંતોના અભિપ્રાય મેળવી મલ્ટી લેવલ ફલાયઓવર બ્રિજ બનાવવવાની ડીઝાઇન તૈયાર કરવામાં આવી હતી.
કે.કે.વી. ચોકમાં મધ્યમાંથી 15 મીટરની બ્રિજની કુલ ઉંચાઈ છે એટલે કે, જમીનથી આ બ્રિજનો સેન્ટ્રલ સ્પાન 50 ફુટ ઉંચો છે. સેન્ટર સ્પાનમાં 45 મીટરનો સ્ટીલ ગર્ડર ઉભો કરવામાં આવ્યો છે. ફ્લાયઓવર બ્રિજની બંને બાજુ 5.50 મી.થી 8.50 મી.નો સર્વિસ રોડ, બ્રિજની નીચે 7500 ચો.મી.નું પાર્કિંગ, પેડેસ્ટ્રિયન માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન તથા સર્વિસ યુટિલીટી ડક્ટ એ બ્રીજની મુખ્ય વિશેષતાઓ છે.
રાજકોટના હાર્દ સમા શહેરનાં કાલાવડ રોડના કે.કે.વી. ચોક પર 4 લેન (ર લેન + 2 લેન) મલ્ટીલેવલ ફ્લાયઓવર બ્રિજ 1152.67 મી. લંબાઇ, 15.50 મી. પહોળાઈ તથા 15 મી. ઊંચાઈએ નિર્માણ પામ્યો છે. કાલાવડ રોડ તરફ બ્રિજની લંબાઈ 690 મીટર અને કોટેચા ચોક તરફ 417 મીટર છે.
કાલાવડ રોડ ઉપર પ્રિન્સેસ સ્કૂલથી ફલાયઓવર શરૂ થશે, જે કે.કે.વી. ચોકના હયાત ફલાયઓવરની ઉપરથી પસાર થશે અને રાજકોટ મહાનગરપાલિકાના સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પુલ પાસે વિરામ પામશે. મહિલા કોલેજ અંડરબ્રિજથી સીધા કાલાવડ રોડ સ્વિમિંગ પુલ સુધી જવા માગતા વાહનો ટ્રાફિકની સમસ્યા નડશે નહીં પરિણામે સમય, શક્તિ, ઈંધણ અને નાણાંનો બચાવ થશે. નવનિર્મિત બ્રિજ પરથી ઉતર્યા બાદ મોટામૌવા, મેટોડા તરફ જવા માંગતા વાહન ચાલકોને સીધો જડ્ડસ રેસ્ટોરન્ટ ચોક બ્રિજ કનેકટ થઈ જશે.