મેયર તથા મ્યુનિસીપલ કમિશ્નરની સત્તાવાર જાહેરાત
ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધી બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી રહેલા રાજકોટ શહેરમાં પૂ. ગાંધી બાપુની કાયમી સ્મૃતિમાં તેમજ ગાંધી વિચારો અને સિધ્ધાંત વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવા શુભ આશયી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એક અનોખા અને દેશ વિદેશમાં જેની નોંધ લેવાય તેવા અદભૂત મહાત્મા ગાંધી મ્યુઝિયમ”નું આગામી તા. ૩૦ના રોજ દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તેમ મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મેયર અને કમિશનરએ વિશેષમાં એમ જણાવ્યું હતું કે, આ મ્યુઝિયમનાં માધ્યમી મહાત્મા ગાંધીજીનાં સત્ય, અહિંસા વિગેરે આદર્શોને વધુને વધુ લોકો સમક્ષ મુકી શકાય તેમજ લોકો તેમાંથી પ્રેરણા મેળવી આ આદર્શો પોતાના જીવનમાં ઉતારી શકે તદ્દપરાંત સમગ્ર વિશ્વના સહેલાણીઓ માટે આ મ્યુઝિયમ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તથા ગાંધીજીનાં જીવન સાથે સંકળાયેલ એક શ્રેષ્ઠ સ્થાન બની રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ ખાતે મહાત્મા ગાંધી મેમોરીયલ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવેલ.
આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ તૈયાર કરવામાં આવેલ છે અને તેમાં મહાત્મા ગાંધીજીના સંસ્મરણો તથા જીવન ચરિત્રને તાદ્રસ્ય કરવામાં આવશે. તેમજ આ મ્યુઝિયમમાં આધુનિક મલ્ટીમીડિયાના ઉપયોગી મીની થીયેટર, મોસન ગ્રાફિક તેમજ ઓગ્મેન્ટેડ રીયાલીટીની સહાયી મુલાકાતીઓને થ્રીડી પ્રોજેક્સન તેમજ કટ આઉટ દ્વારા ગાંધી સ્મૃતિ તાદ્રસ્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. અહીં એ પણ ખાસ ઉલ્લેખ કરવો રહયો કે, પૂ. ગાંધી બાપુએ આ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને માનવીય મૂલ્યો અને સિદ્ધાન્તોનું તેઓમાં અહીં ઘડતર થયું હતું.