ચૂંટણીના ગરમાવાએ રાજકારણને નિમ્નકક્ષાએ પહોંચાડ્યું!
વડાપ્રધાન મોદીના સ્વ. રાજીવ ગાંધી પરના આક્ષેપ સામે રાહુલ, પ્રિયંકાનો વળતો પ્રહાર
લોકશાહીના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી નિર્ણાયક તબકકામાં છે. ત્યારે ચૂંટણીમાં મતદારોને આકર્ષવા ‘ભાજપ, કોંગ્રેસના નેતાઓ એકબીજા આક્ષેપો પ્રતિઆક્ષેપો કરવામાં પાછા નથી પડતા આવા રાજકીય ગરમાવાવા વાતાવરણમાં નેતાઓ દ્વારા જાણી જોઈને કે અજાણતા બોલી જવાતા આક્ષેપોથી રાજકીય ગરમાવો આવી જતો હોય છે.
આવો જ રાજકીય ગરમાવો વડાપ્રધાન મોદીના પૂર્વ દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધી વિશે કરેલા આક્ષેપોથી આવી જવા પામ્યો છે. મોદીએ મી.કલીનની છાપ ધરાવતા સ્વ. રાજીવ ગાંધી ભ્રષ્ટાચારી નં.૧ કહેતા વિવાદ મચી જવા પામ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહામંત્રી પ્રિયંકા ગાંધીએ મોદીના આવા કથનને નિમ્નકક્ષાનું ગણાવ્યું હતુ.
મોદીએ રાજીવ ગાંધી અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કર્મ તમારી રાહ જોઈ રહ્યું છે. તેવું ટવીટર પર સંદેશો મકયો હતો. જેમાં રાહુલે જણાવ્યું હતુ કે મોદીજી યુધ્ધ સમાપ્ત થઈ ગયું છે. તમારા કર્મ તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. મારા પિતા પ્રત્યેના ભાવથી તમારા મતનું વલણનું જગજાહેર થઈ ગયું છે.મારો પ્રેમ અને જાદુની જપ્પીની અસર પણ તમને બચાવી નહિ શકે.
વડાપ્રધાનની રાજીવ અંગેની ટિપ્પણી સામે પ્રિયંકાગાંધી વાડરાએ પણ આક્રોશ વ્યકત કરીને મોદીના વિધાનને શહીદ પુર્વ વડાપ્રધાનના અપમાન ગણાવ્યું હતુ શહીદોના નામે મત માંગનાર વડાપ્રધાન શહીદનું જ અપમાન કરી રહ્યા છે. અમેઠીની જનતા માટે રાજીવગાંધીએ જીવન ખર્ચી નાખ્યું તે લોકો તેનું વળતર આપવા તૈયાર છે. આ દેશ કયારેય છેતરપીંડી કરનારાઓને માફ નથી કરતું.
શનિવારે ઉતરપ્રદેશનાં પ્રતાપગઢમાં એક જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ રાજીવ ગાંધી પર પ્રહારો કરીને જણાવ્યું હતુ કે તેમના જીવનનો અંત ભ્રષ્ટાચારી નં.૧ તરીકે આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે રાહુલ માત્ર વડાપ્રધાનની પ્રતિભા ખરડાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. પણ મોદીના સંઘર્ષને ધુળધાણી નહિ કરી શકાય મારી પ્રતિભા ખંડિત કરીને આ લોકો દેશમાં અસ્થિર નબળી સરકાર રચવાના ઉધામા કરી રહ્યા છે. મોદીની આ ટિપ્પણીથી કોંગ્રેસના નેતાઓ ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે.
નરેન્દ્ર મોદીએ પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને બોફોર્સ સંરક્ષણ સોદાના ભ્રષ્ટાચાર અંગે યાદ કરીને જણાવ્યું હતુ કે અનેક પ્રયાસો અને પ્રચારો છતા રાજીવગાંધીને જીવનનો અંત ભ્રષ્ટાચારી નંબર ૧ તરીકે જ થયો હતો. મોદીના આ વિધાન સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરા એ ભારે આક્રોશ વ્યકત કરીને જણાવ્યું હતુ કે મોદી શહીદોનું અપમાન કરી રહ્યા છે.