ભારત સરકાર કોરોના મહામારી સાથે આત્મનિર્ભરતા અને આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોઈ પણ દેશને આર્થિક વિકાસમાં વધારો કરવો છે તો એના માટે, પાડોશી દેશો અથવા બીજા અન્ય દેશોના સબંધ એક મહત્વનો ફાળો ભજવે છે. ભારત અન્ય દેશો સાથે સબંધ વધારવા અને વિકાસ કરવા પર એક નવી પહેલ કરી છે.
એક માહિતી મુજબ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગા એપ્રિલના અંત અથવા મે મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાત પર આવશે. આ મુલાકાત પાછળ મહત્વનું કારણ ચીન હોય શકે. ભારત-ચીનની સરહદનો વિવાદ, જાપાન-ચીનની સમુદ્રી સરહદો પર તણાવ અને આ સાથે ચીનની અમુક ગતિવિધિઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ મુલાકાત પછી ભારત-જાપાન ટેક્નોલોજી ક્ષેત્રે સાથે મળીને આગળ વધે તેવા પણ એંધાણ જોવા મળે છે.
કોરોના મહામારી પછી જાપાનના નેતાની ભારતમાં આ પહેલી મુલાકાત છે. ડિસેમ્બર 2019 માં,જાપાનના તત્કાલીન બનેલા વડા પ્રધાન શિંઝો આબે અને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે ગુવાહાટીમાં મુલાકાત થવાની હતી. એ મુલાકાત નાગરિકતા સુધારો અધિનિયમ વિરુદ્ધ ચાલી રહેલા વિરોધને કારણે રદ કરવી પડી હતી. ત્યાર પછી જાપાનના નેતાની આ પહેલી ભારતની મુલાકાત હશે.
કોરોના મહામારી સામે લાડવા માટે પીએમ મોદીએ જાપાનના વડા પ્રધાન સુગા સાથે ફોન પર ઘણી વાર વાતચીત કરી હતી. આ પછી 12 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી પ્રથમ Quad મીટિંગમાં બંને દેશના પીએમએ ભાગ લીધો હતો. આ બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન પણ ઉપસ્થિત રહ્યા હતા.
સૂત્રોએ આપેલા અહેવાલ મુજબ બંને દેશોમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ સુગાની ભારત મુલાકાતની તારીખો નક્કી કરવામાં આવશે. બંને દેશો વચ્ચેની બેઠકનો મુખ્ય મુદ્દો ચીનનો રહેશે. છેલ્લા એક વર્ષથી ભારત ચીન સાથે એલએસીને લઈને અડચણનો સામનો કરી રહ્યું છે, ત્યારે જાપાન ભીલ પૂર્વ ચીન સમુદ્રમાં સેનકાકુ આઇલેન્ડમાં ચીનની દખલ અંગે ચિંતિત છે. જાપાને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં 1600 કરોડનું રોકાણ કર્યું છે.