આઈટી, સોશિયલ મીડિયાના સંદર્ભમાં ભાજપના હોદ્દેદારોની વર્ચ્યુઅલ બેઠકને સંબોધતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીના ઉપયોગ થકી સોશિયલ મીડિયાને લોકસેવા માટેનું ઉત્તમ માધ્યમ સાબિત કર્યું છે. તેમ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપની વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું હતું.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી વી.સતીશજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની વિશેષ ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો તથા પ્રદેશ હોદેદારો સાથે આઈ.ટી.અને સોશિયલ મીડિયાના સંદર્ભમાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્રીયમંત્રી પરશોતમભાઇ રૂપાલા તેમજ પૂર્વપ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી પણ જોડાયા હતા.
પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમનાં વક્તવ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે અસરકારક કામગીરી થઇ શકે તે બાબતે વિશેષ છણાવટ કરી પોતાના અનુભવો પણ વર્ણવ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ આજના સમયમાં રાજકીય પાર્ટી માટે અનિવાર્ય છે.આપણે સૌ નસીબદાર છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજથી ઘણાં વર્ષો પહેલાં આઈ.ટી.અને સોશિયલ મીડિયાનું મહત્વ સમજીને આપણને સૌને તે દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા. ટેક્નોલોજીના મહતમ ઉપયોગ દ્વારા વડાપ્રધાને દેશ અને દુનિયાના રાજકારણમાં નવો ચીલો ચીતરીને સોશિયલ મીડિયાને લોકસેવા માટેનું ઉતમ માધ્યમ સાબિત કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કાળમાં વેબિનાર,વર્ચ્યુઅલ રેલી તથા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકટકાળમાં પણ ભાજપનું નેતૃત્વ તેમજ કાર્યકર્તાઓ જન જન સાથે જોડાયેલા રહ્યાં અને લોકોને ઉપયોગી થઇ શક્યાં છે. ટેકનોલોજીના મહતમ ઉપયોગ અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોરોનાના કપરા કાળમાં પણ અવિરત જનસેવા,જનસંપર્ક અને જનસંવાદના સર્વાધિક કાર્યો કરનારી વિશ્વની એકમાત્ર રાજકીય પાર્ટી ભાજપ બની છે, જે આપણાં સૌ માટે ગૌરવની બાબત છે.
આજના સમયમાં સોશિયલ મીડિયા એક અસરકારક માધ્યમ બન્યું છે ત્યારે આપણી સાચી વાત,આપણાં પ્રજાકીય કાર્યો તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ વધુ ને વધુ લોકો સુધી પહોચાડવા માટે તમામ જનપ્રતિનિધિઓએ સતર્કતા,સક્રિયતા અને સમજદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારી પોતાનાં વિસ્તારોના વધુને વધુ લોકો સાથે સીધો સંવાદ કરવો જરૂરી છે. પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નમો એપના મહતમ ઉપયોગ પર ભાર મૂકી નમોએપની ઉપયોગિતા પણ સમજાવી હતી.
રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષજીએ તેમનાં વક્તવ્યમાં ઈફેક્ટીવ કોમ્યુનીકેશન અને ડેટા પાવરનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના સુચારુ ઉપયોગ દ્વારા સરકારી કામકાજમાં પણ બહુ મોટા પરિવર્તનો લાવી શક્યાં છે. વર્ષોથી દેશ જે ભોગવી રહ્યો હતો તેવી ભ્રષ્ટાચારની સમસ્યાને પણ પ્રધાનમંત્રી મોદીએ ટેકનોલોજીના માધ્યમથી દુર કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે. ભાજપાના જનપ્રતીનીધીઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલને ટુ વે કોમ્યુનીકેશનનું સાધન બનાવી તમામ વર્ગના લોકો સાથે જીવંત સંપર્ક રાખી તેમની સમસ્યાના સમાધાનમાં મદદરૂપ થવું જોઈએ.
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ આગામી કાર્યક્રમો વિષે જાણકારી આપી હતી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ આત્મનિર્ભર ભારત અભિયાન તથા વોકલ ફોર લોકલનો વિચાર સોશિયલ મીડિયાના માધ્યમથી વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે સૌ જનપ્રતિનિધિઓએ સજ્જ થવા સમજાવ્યું હતું.
બેઠકની શરૂઆતમાં ભાજપા આઈ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ ઇન્ચાર્જ પંકજ શુક્લાએ પ્રેઝન્ટેશન દ્વારા સોશિયલ મીડિયાના વધુ અસરકારક ઉપયોગ વિષે જાણકારી આપી હતી.