- સમસ્યા આવે પરંતુ કોઇપણ સમસ્યાનું સમાધાન શોધી આપે એટલે નરેન્દ્ર મોદી: શિક્ષણમંત્રી
- રાજકોટ કોર્પોરેશન દ્વારા સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ અંતર્ગત સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેનું ઉદ્ઘાટન શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષના શાસન દરમ્યાન દેશભરમાં છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમા જોડવાનો જબરજસ્ત પ્રયત્ન કરેલ છે. ગુજરાત રાજ્યના વીસ વર્ષના અને કેન્દ્ર સરકારના આઠ વર્ષના સુશાસને દેશવાસીઓના જીવનમા ગુણાત્મક બદલાવ લાવેલ છે. કોઇપણ કાર્યને સફળ બનાવતા પૂર્વે પીડા ભોગવવી પડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ બે દાયકામાં જાતને લોક કલ્યાણ અર્થે પોતાની જાતને નીચોવી નાખી છે. એક દિવસની પણ રજા તેમણે ભોગવી નથી. એકપણ સપ્તાહ એવું પસાર નથી થયું કે જેમાં તેઓ દ્વારા લોકહિતના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુર્હુત ન થયા હોય.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના અલગ અલગ દેશોના પ્રવાસ વખતે કેટલાક લોકો કોઈને કોઈ પ્રકારની ટીપ્પણી કરતા રહેતા હતા. મારે એ લોકોને કહેવું છે કે, પ્રધાનમંત્રી વિદેશ ફરવા માટે ન હોતા જતા, તેમણે અન્ય રાષ્ટ્રો સાથેના ભારતના સંબંધો વધુને વધુ ગાઢ અને મજબુત થાય તે માટે તનતોડ મહેનત કરી છે અને તેનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. આજે આખું વિશ્વ અપેક્ષા સાથે ભારત સામે મીટ માંડી રહ્યું છે. આ તકે બે દ્રષ્ટાંત આપતા પ્રભારી મંત્રીએ કહ્યું કે, યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધમાં ભારતીય છાત્રો યુક્રેનમાંથી સહી સલામત રીતે ભારત પરત ફરી શકે તે માટે ભારતએ કરેલી અપીલને માન આપી, આઠ કલાક યુદ્ધ વિરામ જાહેરાત કરેલ. આ દરમ્યાન ભારતીય ત્રિરંગા સાથે દેશના છાત્રો યુદ્ધ ગ્રસ્ત વિસ્તારોમાંથી સહીસલામત રીતે નીકળ્યા હતા બીજું દ્રષ્ટાંત ભારતીય સેનાએ આતંકવાદ સામેની લડાઈના ભાગરૂપે પાકિસ્તાન ઉપર કરેલ સર્જીકલ સ્ટ્રાઈક છે. એ સમયે આપણા ફાઈટર પ્લેનના પાયલોટ અભિનંદનને પાક.સેનાએ ગિરફ્તાર કરેલ. જો કે ભારત સરકારની વૈશ્વિક આભા અને સંબંધોના પરિણામે તમામ દેશોએ ભારતને સહકાર આપેલ અને અભિનંદનને ભારત પરત સોંપવા માટે પાકિસ્તાનને મજબુર બનવું પડેલ હતું. પાકિસ્તાને એ વખતે ભારતએ અમને માર્યા….. ભારતએ અમને માર્યા એવી કાગારોળ મચાવી હતી પરંતુ વિશ્વના એકપણ દેશે તેની વાત સાંભળી ન હતી. આ ઉપરાંત અન્ય ઉદાહરણ આપતા એમ કહ્યું કે, કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી 370 ની કલમ રદ કરી એ વખતે પણ સમગ્ર વિશ્વ ભારતની પડખે ઉભું રહ્યું હતું ત્યારે પણ પાકિસ્તાનની વાત કોઈ દેશે સાંભળી ન હતી.
તેમણે ઉમેર્યું હતું કે, કોરોનાના કપરાકાળ વખતે પ્રધાનમંત્રીએ કહ્યું એમ લોકોએ થાળી વગાડી, લાઈટો બંધ કરી કોરોના વોરિયર્સના સન્માનમાં દીપક પ્રજ્વલિત કરેલ. જનતા કરફ્યુંમાં લોકો ઘરમાં રહ્યા. એ વખતે પણ કેટલાક લોકો ટીકા કરતા હતા પરંતુ વિરોધીઓની વિચાર ક્ષમતા જ્યાં પુરી થાય છે ત્યાંથી પ્રધાનમંત્રીની વિચારશક્તિ શરૂ થાય છે. કોરોનાના કપરાકાળ સામે લડવા દેશવાસીઓ એક બને એ જરૂરી હતું.
આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે ગુજરાતમાં વીસ વર્ષ અને કેન્દ્રમાં આઠ વર્ષ દરમ્યાન સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ એ પ્રધાનમંત્રીનો જીવનમંત્ર રહ્યો તેની લોકોએ અનુભૂતિ કરેલ છે. કેન્દ્ર અને રાજ્યની વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટના લાભ છેવાડાના માનવી સુધી પહોંચતા થયા છે. કોરોના સામેની લડાઈમાં દેશમાં 130 કરોડ લોકોને મફત વેક્સિન આપવામાં આવેલ તેની કોઈએ કલ્પના પણ નહી કરી હોય. રાજકોટની વાત કરીએ તો 15.50 લાખ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 12.75 લાખ લોકોને બીજો ડોઝ અને 83,300 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવેલ. આ ઉપરાંત પ્રધાનમંત્રી માતૃ વંદના હેઠળ શહેરની દસ હજાર બહેનોને પાંચ હજાર જેટલી સહાય આપવામાં આવેલ તેમજ ઘર વિહોણા લોકોને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવસ યોજના હેઠળ 30,000 થી વધુ આવાસો બનાવી લાભાર્થીઓને સોપી આપેલ છે.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને ટોકન રૂપે મંજુરી પત્રો, ચેક વગેરે અર્પણ કરવામાં આવેલ. જેમાં વ્હાલી દીકરી યોજના, પ્રધાનમંત્રી સ્વનીધિ યોજના, રેગ પીકર્સ આર્થિક યોજના, આયુષ્યમાન ભારત કાર્ડ, ઉજવ્વલા યોજના, આવાસ યોજના, વિધવા સહાય પેન્શન, પ્રધાનમંત્રી મુદ્રા સહાય, પૂર્ણ શક્તિ પેકેટ, માનવ ગરિમા યોજના અંતર્ગત કીટ આપવામાં આવેલ છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ તેમજ સ્વાગત પ્રવચન જીલ્લા કલેકટર અરૂણ મહેશબાબુએ કરેલ. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા મ્યુનિ.કમિશ્નર અમિત અરોરાએ આપી હતી. શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત પુસ્તક અર્પણ કરેલ તેમજ કાર્યક્રમની આભારવિધિ ડે.કમિશ્નર સી.કે.નંદાણીએ કરી છે.