દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાનના વિશેષ કાર્યક્રમ પરિક્ષા પે ચર્ચા 2023નું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં 2 હજાર વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જ્યારે બાકીના ઉમેદવારો લાઇવ પ્રસારણ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા. પરિક્ષા પે ચર્ચા એ એક પ્રકારનો અનોખો કાર્યક્રમ છે, જેનું આયોજન દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ પહેલા કરવામાં આવે છે. વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં પીએમ મોદીએ દેશના બાળકો, શિક્ષકો અને માતા-પિતા અને વાલીઓ સાથે વાતચીત કરી હતી. આ વર્ષે 38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
પરિક્ષા પર ચર્ચા કરવા માટે અને બોર્ડની પરિક્ષામાં બાળકોને પરિક્ષા મંત્ર આપવા માટે પીએમ મોદી તાલકટોરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. બાળકો દ્વારા તૈયાર કરાયેલ ટેક્નોલોજી આધારિત મોડલના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું પીએમનાં આ કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્રપ્રધાન સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે પરીક્ષા પર ચર્ચાએ જનઆંદોલનનું સ્વરૂપ લીધું છે. વાલીઓ, શિક્ષકો અને સમાજ દ્વારા બાળકો પરના દબાણને સમજીને, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે તે મૂંઝવણને ઉકેલવા અમારી વચ્ચે હાજર થયા છે.
સામાન્ય રીતે પરિક્ષા પર ચર્ચા ફેબ્રુઆરીમાં થતી હોય છે ત્યારે પહેલીવાર વડાપ્રધાન કડકડતી ઠંડીમાં દેશના ભાવિની મુંજવણ દુરમાં કરવા માટે પરિક્ષા પર ચર્ચા કરવા પહોચ્યા હતા. પીએમ મોદીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે ‘પરીક્ષા પે ચર્ચા’ મારી પણ પરીક્ષા છે અને દેશના કરોડો વિદ્યાર્થીઓ મારી પરીક્ષા લઈ રહ્યા છે… મને આ પરીક્ષા આપવામાં આનંદ આવે છે. પરિવારોને તેમના બાળકો પાસેથી અપેક્ષા હોઈ એ સ્વાભાવિક છે, પરંતુ જો તે માત્ર સામાજિક દરજ્જો જાળવવા માટે હોય તો તે ખતરનાક બની જાય છે.
દર વર્ષે દેશભરના વિદ્યાર્થીઓ મને સલાહ માટે પત્ર લખે છે. તે મારા માટે ખૂબ જ પ્રેરક અને સમૃદ્ધ અનુભવ છે. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે તમે સારું કરશો તો પણ બધાને તમારી પાસેથી નવી અપેક્ષાઓ હશે… ચારે બાજુથી દબાણ છે, પરંતુ શું આ દબાણને વશ થઈ જવું જોઈએ? ત્યારે જો તમે પણ તમારી પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો તમે પણ આવા સંકટમાંથી બહાર આવી શકશો. ક્યારેય દબાણના દબાણમાં રહેશો નહિ.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે માત્ર પરીક્ષા માટે જ નહીં પરંતુ જીવનમાં પણ આપણે ટાઈમ મેનેજમેન્ટ પ્રત્યે સજાગ રહેવું જોઈએ. સમયસર ન થવાને કારણે કામનું ભારણ લાગવા લાગે છે. કામ કરવાથી ક્યારેય થાક લાગતો નથી, કામ કરવામાં સંતોષ મળે છે. કામનું ભારણ વધવાથી કામનો થાક લાગે છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા પીએમ મોદીએ કહ્યું કે દબાણમાં ન રહો! વિચારો, વિશ્લેષણ કરો, કાર્ય કરો અને પછી તમને જે જોઈએ છે તે મેળવવા માટે તમારું શ્રેષ્ઠ આપો. માત્ર પરીક્ષાઓ માટે જ નહીં, આપણે આપણા જીવનના દરેક તબક્કે ટાઈમ મેનેજમેન્ટ વિશે જાગૃત રહેવું જોઈએ. તમે એવું ટાઇમ ટેબલ બનાવો કે પહેલા તમને જે વિષય ઓછો ગમતો હોય તેને સમય આપો… પછી તમને જે વિષય પસંદ હોય તેને સમય આપો.
કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ‘ચીટીંગ’ કરવા માટે તર્ક લગાવે છે અને સમયનો વેડફાટ કરે છે પરંતુ જો તે વિદ્યાર્થીઓ તેમના સમય અને સર્જનાત્મકતાનો યોગ્ય રીતે ઉપયોગ કરશે તો તેઓ સફળતાના શિખરોને સ્પર્શશે. આપણે જીવનમાં ક્યારેય શોર્ટકટ ન લેવો જોઈએ, પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.