સાંસદ કુંડારીયા અને અમદાવાદ સર્કલના જનરલ મેનેજરે કર્યું તકતીનું અનાવરણ

નાનાજી દેશમુખના જન્મ શતાબ્દી સમારોહ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની ૧૧ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનું દિલ્હીથ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ભારતીય સ્ટેટ બેંક ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાનો પણ સમાવેશ થયેલ. આ સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ જે તે ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં કરવામાં આવ્યું હતું.

ઈ-લોકાર્પણ સમારોહ નિમિતે રાજકોટ ભારતીય સ્ટેટ બેંક – ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા તથા ભારતીય સ્ટેટ બેંક અમદાવાદ સર્કલના જનરલ મેનેજઅર આર.કે.અગ્રવાલ દ્વારા અન્ય મહાનુભાવો જેવા કે ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, બાવનજીભાઈ મેતલીયા, પ્રવિણભાઈ માકડીયા, કલેકટર જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક તથા બેન્કના અન્ય અધિકારીઓની હાજરીમાં રીબીન કાપીને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને આ તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરીને સંસ્થાનું લોકાર્પણ કરવામાં આવેલ. કાર્યક્રમ નિહાળવા માટે ૫૦૦ જેટલા તાલીમાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભારતીય સ્ટેટ બેંક અમદાવાદ સર્કલના જનરલ મેનેજર આર.કે.અગ્રવાલ સાથે સંસ્થાના નિયામક કે.વી.સંજોટ તથા સંસ્થાના કર્મચારીઓની મુલાકાત રાખેલ જે મુલાકાતમાં જણાવેલ કે સંસ્થા દ્વારા તાલીમ મેળવેલ લાભાર્થીઓ સ્વનિર્ભર થય શકે તેવા પ્રયત્નો કરવાના છે તો જ આ સરકારનો હેતુ સિદ્ધ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.