- લોઠડા-પીપલાણા-પડવલા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને જે.કે. વેલનેશ ફાઉન્ડેશનના સર્વેસર્વા જયંતિભાઇ સરધારા એટલે સેવાનો પર્યાય
- ઉદ્યોગપતિઓ, કારીગરો, ગરીબ વર્ગના પરિવાર સહિતના તમામ લોકોની સમસ્યાનો નિકાલ લાવવા માટે રાઉન્ડ ધ ક્લોક સતત રહે છે કાર્યરત: ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં 60 કરોડથી પણ વધુના જનભાગીદારીથી કામો મંજૂર કરાવવા પણ સરકારમાં અસરકારક રજૂઆત: આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, હોસ્પિટલ, પાક્કા રસ્તા, ડ્રેનેજની સુવિધા, પીવાના પાણીની પ્રયાપ્ત સગવડતા સહિતની સુવિધાઓ વધારવા માટે જયંતિભાઇ સરધારાનો લક્ષ્યાંક
- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જયંતિભાઇ સરધારાએ પોતાની કાર્યશૈલી અને ભવિષ્યમાં હાથ ધરનારા સેવાકાર્યો અંગે કરી મુક્તમને વાતચિત
સામાન્ય રીતે કોઇપણ રાજનેતા ચૂંટાઇ આવે અથવા પૂર્વ શબ્દ પોતાના નામની આગળ લાગ્યા બાદ નિષ્ક્રિય બની જતાં હોય છે. તેઓને લોકસેવામાં રસ ઓછો થઇ જતો હોય છે. પરંતુ એક અનોખી માટીના માનવી એટલે રાજકોટના પૂર્વ નગરસેવક અને લોઢડા, પીપલાણા, પડવલા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને જે.કે. વેલનેશ ફાઉન્ડેશનના સર્વેસર્વા જયંતિભાઇ સરધારા. તેઓ સામાન્ય નાગરિકથી માંડી ટોચના ઉદ્યોગપતિઓ માટે અડધી રાતનો હોંકારો બની ગયા છે. કોઇપણ સમસ્યા હોય કે જનસુખાકારીના કામ એકવાર જયંતિભાઇ જે કામ હાથ લીધું તેને 100 ટકા ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ શાંતિથી બેસતા નથી.
રાજકોટ મહાનગર પાલિકાના પૂર્વ નગરસેવક અને શિક્ષણ સમિતિના સભ્ય જયંતિભાઇ સરધારા હાલ સેવાનો પર્યાય બની ગયા છે. 2005 થી 2010 સુધી નગરસેવક તરીકે તેઓ રોશની સમિતિ અને આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે સેવા બજાવી હતી. શહેરીજનોની આરોગ્યની કાળજી લેતા તેઓએ 130 જેટલા આરોગ્ય કેમ્પ યોજ્યા હતા. સાથોસાથ સતત એક દોડતા નગરસેવક તરીકેની પણ પોતાની નામના બનાવી હતી. 2011 થી 2016 સુધી તેઓ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે રહ્યા હતા. આ દરમિયાન તેઓએ શિક્ષણમાં સુધારા લાવવા માટે પણ ખૂબ જ પ્રયત્નો કર્યા હતા.
આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જયંતિભાઇ સરધારાએ પોતાના જીવનનો સિધ્ધાંતો અને કાર્યપ્રણાલી અંગે વાતચિત કરતા જણાવ્યું હતું કે મારો જન્મ લોધિકા તાલુકાના ચાંદલી ગામમાં થયો છે. મેં કોલીથડમાં હાઇસ્કૂલનું શિક્ષણ મેળવ્યું છે અને એમ.કોમ., એલ.એલ.બી.ની ઉપાધી ધરાવું છું. નાનપણમાં ખેતી પણ કરી છે. મેં રાજકોટને મારી કર્મભૂમિ બનાવી છે. શરીરને સાચવવું તે મારો મુખ્ય શોક છે. સવારે હું નિયમિત એક કલાક કસરત કરૂં છું. સાચ્ચું બોલવું અને ખોટું સહન ન કરવું તે મારી ખાસિયત છે. હું કોઇને નડતો નથી અને નડવા દેતો પણ નથી. જે.કે.વેલનેશ ફાઉન્ડેશનના નેજા હેઠળ અમે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ પ્રકારના સેવાકાર્યો કરી રહ્યા છે.
જેમાં વર્ષ દરમિયાન બે વખત મેગા બ્લડ ડોેનેશન કેમ્પ કરવા અને એક વખત સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. સામાજીક કાર્યો પણ હું સતત સક્રિય રહું છું. નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓનું ભણતર પૈસાના વાંકે ન અટકે તેનું હું સતત ધ્યાન રાખું છું. સાધુ-સંતોની સતત સેવા કરતો રહું છું અને મંદિરોમાં પણ નિયમિત કરિયાણું પહોંચાડું છું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જે.કે. વેલનેશ ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં દર્દીઓને લેવા-મૂકવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. દર્દીઓને ઓક્સિજનના બાટલાઓ પણ કોરોના કાળમાં પૂરા પાડવામાં આવ્યા હતા. સંસ્થા દ્વારા મેડિકલના 150 જેટલા સાધનો ટોકન દરે આપવામાં આવે છે. 200થી વધુ ગરીબ પરિવારોને દર મહિને અનાજ-કીટ આપવામાં આવે છે. સાથોસાથ ચકલીના માળા અને કુંડાનું પણ વિતરણ સમયાંતરે કરાય છે. લોઠડા, પીપલાણા અને પડવલા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા પણ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. ગત વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન 15000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું તેનું જતન પણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીની સરાહના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવી હતી. ચાલુ સાલ 10,000 વૃક્ષોનું વાવેતરણ કરવાનો અમારૂં લક્ષ્યાંક છે. ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં અમે 40 હજારથી વધુ લોકોને અમે રોજગારી પુરી પાડી રહ્યા છે આટલું જ નહિં હાલ આજુબાજુના 10 ગામોમાં નવા-નવા કારખાનાઓ નિર્માણ પામી રહ્યા છે. આગામી દિવસોમાં સેવાકાર્યોને વધુ વેગ આપવો અમારો મુખ્ય લક્ષ્યાંક છે.
આરોગ્ય અને પર્યાવરણ માટે ખૂબ જ મોટા પ્રમાણમાં કામગીરી કરી છે. હવે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો ધ્યેય સાથે અમે આગળ વધી રહ્યા છે. શિક્ષણનો વ્યાપ પણ વધારવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ચાર મહિના પહેલા સંસ્થા દ્વારા કોટડામાં 10 લાખના ખર્ચે પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. દરમિયાન હવે પીપલાણામાં ચાર લાખના ખર્ચે નવી પોલીસ ચોકી ઉભી કરવામાં આવી છે. જેનું લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારની જનભાગીદારી યોજના અર્થાત 80:20 થી 60 કરોડના કામો કરાવવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત રજૂ કરી છે. જેમાં લોઠડામાં 30 કરોડ અને પીપલાણામાં 30 કરોડના કામો સૂચવવામાં આવ્યા છે.
આ વિસ્તાર સતત વિકસી રહ્યો છે ત્યારે અહિં આગામી દિવસોમાં કારીગરો માટે હોસ્પિટલની આવશ્યકતા રહેશે સાથોસાથ સુરક્ષા માટે પોલીસ ચોકી અને એક કાયમી ઓફિસ પણ બનાવવી જરૂરી છે. લોઠડાથી પારડી ગામને જોડતા રસ્તાનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે કોટડાથી લોઠડા સુધીના રસ્તાને ફોર ટ્રેક કરવાની પણ માંગણી કરાય છે. ડ્રેનેજની સુવિધા, આરસીસી રોડ અને પીવાના પાણીની સુવિધા પર્યાપ્ત માત્રામાં મળી રહે તો સમગ્ર વિસ્તારનો વિકાસ થાય તેમ છે. અહિ કોમ્યુનિટી હોલનું પણ નિર્માણ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તાજેતરમાં ઉદ્યોગપતિઓની એક ડિરેક્ટરી બનાવવામાં આવી છે. આટલું જ નહિં એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિઓને ઇંગ્લીશ શિખડાવવા માટે સ્પોકન ઇંગ્લીશના ક્લાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.