ગુજરાતના 63માં સ્થાપના દિનની જામનગરમાં જાજરમાન ઉજવણી
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રૂ.352 કરોડના 553 વિકાસ કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહુર્ત, ઇ-ભૂમિપૂજન
ક્રિકેટરોની ભેટ આપનાર જામનગરને નવા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ મળી: કૃષિ મંત્રી
મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
જામનગરમાં ગુજરાતનાં 63મા સ્થાપના દિવસ ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલે રૂ.352 કરોડના 553 વિકાસકાર્યોના ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય નેતૃત્વ અને દિશાદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા આપી છે.
મંત્રી ઋષિકેશભાઈ પટેલે વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસનો પાયો નાખ્યો અને એ વિકાસયાત્રા પ્રત્યે સમગ્ર દેશને વિશ્ર્વાસ જાગ્યો અને ગુજરાત મોડલને સમગ્ર દેશે સ્વીકારી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવ્યા એ પણ ગુજરાતનું ગૌરવ છે તેમ જણાવ્યું હતું.
જામનગરને વિકાસકાર્યોની ભેટ મળી તેમાં મહત્વના વિકાસ પ્રકલ્પો જોઈએ તો જામનગર જિલ્લામાં રૂ.98 કરોડના ખર્ચે 422 કામોનું ઇ-લોકાર્પણ, રૂ.162 કરોડથી વધુના ખર્ચે 123 કામોનું ઇ-ખાતમુહૂર્ત, રૂ.92 કરોડથી વધુના ખર્ચે 8 કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)દ્વારા નિર્મિત રૂ.5 કરોડ 38 લાખના ખર્ચે વીવીઆઈપી એનેક્ષી બિલ્ડિંગ (સર્કિટ હાઉસ) ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત બેડી રેલવે સ્ટેશન પાસે 272 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેના થકી લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે. પીજીવીસીએલની નવી ગોકુલનગર સબ ડિવિઝનલ ઓફિસનું રૂ.4 કરોડથી વધુ રકમના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજ અને સરકારી ડેન્ટલ કોલેજ ખાતે દેશભરના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ત્યારે રૂ.88 કરોડના ખર્ચે ગર્લ્સ હોસ્ટેલના કામનું આજે ભૂમીપૂજન કરવામાં આવ્યું છે.
હોસ્ટેલનું નિર્માણ થતાં દીકરીઓને રહેવાની સુવિધા મળી રહેશે. ધ્રોલ તાલુકાના ખાખરા, ખારવા અને રોઝીયા ગામે ત્રણ પ્રાથમિક શાળાઓનું રૂ.1 કરોડ 37લાખના ખર્ચે અને પાણાખાણ વિસ્તારમાં પીપીપી ધોરણે નવી શાળા રૂ.1 કરોડ 12 લાખના ખર્ચે નિર્માણ પામશે. આરોગ્યલક્ષી સુવિધાઓ જેમાં જાંબુડામાં સીએચસી બિલ્ડિંગનું રૂપિયા સાડા ત્રણ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થશે. આમ, ગુજરાત સ્થાપનાદિનની જામનગરમાં થયેલી ઉજવણીના ઉપલક્ષમાં આ વિકાસ કાર્યો જામનગર જિલ્લાના વિકાસને નવી દિશા આપશે.
આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા વિવિધ યોજનાના લાભાર્થીઓ, આમંત્રિત મહેમાનો તેમજ નગરજનો સહભાગી થયા હતા.
રાજ્યપાલના હસ્તે ત્રણ વિભુતીઓનું ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન
સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ત્રણ મહાનુભાવોને ગુજરાત ગરિમા એવોર્ડ-2023થી સન્માનિત કરાયા હતા. જેમાં સેવા સહકારિતા કાર્ય ક્ષેત્રે સ્વ.અનુબેન ઠક્કરને મરણોત્તર એવોર્ડ તેમજ રમત ગમત ક્ષેત્રે કુ.સરિતા ગાયકવાડ અને કલા-લેખક ક્ષેત્રે ડો. જગદીશભાઈ ત્રિવેદીને એવોર્ડ એનાયત કરાયા હતા. જામનગર જિલ્લાના પ્રતિષ્ઠિત 18 નાગરિકોને બાંધણીની સાલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને માહિતી કચેરી દ્વારા સંપાદિત કોફી ટેબલ બુક “નમોસ્તુતે નવાનગર” અને “જાજરમાન જામનગર” વિકાસવાટિકા બુકનું વિમોચન કરાયું હતું.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની વિકાસગાથા, ગુજરાતનો ઐતિહાસિક વારસો, ગુજરાતના પ્રખ્યાત મંદિરો તેમજ સાંસ્કૃતિક વારસો દર્શાવતી ફિલ્મ બતાવવામાં આવી હતી. રાજ્યપાલ અને મંત્રી ઓના હસ્તે નવી જાહેરાતના ભાગરૂપે જામનગર મહાનગર, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારને રૂ.2.50 કરોડ એમ કુલ રૂ.7.50 કરોડના ચેક કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને કમિશનર ને એનાયત કરવામાં આવ્યા હતા.
‘નમોસ્તુતે નવાનગર’ સાંસ્કૃતિક કાર્યક્રમ ઝળહળી ઉઠ્યો
જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી, સચિવ અશ્વિનીકુમાર તથા કમિશનર હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા 60 મિનિટનો નમોસ્તુતે નવાનગર નામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટીક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
150 કલાકારો તથા 40 ટેકનીશીયન્સન દ્વારા તૈયાર કરાયેલ આ મલ્ટીમીડિયા શોમાં જામનગરની સ્થાપનાથી લઈ જામનગરનો ઇતિહાસ, ભૂચરમોરી યુદ્ધ સહિત જામનગરના સાંસ્કૃતિક અને સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતા દ્રશ્યો તેમજ જામનગરના વિવિધ પાસાઓને રસપ્રદ રીતે ઉજાગર કરવામાં આવ્યાં હતા. આ મલ્ટીમીડિયા શો ની સ્ક્રીપ્ટ જામનગરના ડો. મનોજ જોશી મન દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેમજ ગૌરવ પુરસ્કૃત નાટ્ય દિગ્દર્શક વિરલ રાચ્છ તથા જય વિઠલાણી દ્વારા તેનું દિગ્દર્શન કરવામાં આવ્યું હતું. શો ને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અંકુર પઠાણ દ્વારા કોરીયોગ્રાફ કરવામાં આવ્યો હતો.
ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધી યોજાયેલ પોલીસ પરેડમાં સલામી ઝીલતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી જામનગરના આંગણે ઉજવણી પ્રસંગે ટાઉનહોલ થી સાત રસ્તા સર્કલ સુધી ભવ્ય પોલીસ પરેડ યોજવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સલામી ઝીલી હતી. આ પરેડે નગરવાસીઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. પાઇપ બેન્ડથી રાજ્યપાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગન ફાયરથી માર્ચ પાસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પરેડમાં કુલ 19 પ્લાટુનના 800 જવાનોએ ભાગ લીધો હતો.
જેમાં ગાંધીનગરની ચેતક કમાન્ડો, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, ચેલા અને બાલાનિવાવ પ્લાટુન, ચેતક કમાન્ડોની બુલેટ પ્રુફ રક્ષક ગાડીનો ટેબ્લો, ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન, એસ.આર.પી. બેન્ડ પ્લાટુન, રાજકોટ ગ્રામ્ય અને મોરબી જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને પોરબંદર જિલ્લા પોલીસ પુરૂષ પ્લાટુન, ગુજરાત જેલ વિભાગ પુરુષ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, જામનગર જિલ્લા અને સુરેન્દ્રનગર પોલીસ મહિલા પ્લાટુન, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરૂષ પ્લાટુન, જામનગર જિલ્લા હોમગાર્ડ પુરૂષ તેમજ ગ્રામ રક્ષક દળ પ્લાટુન, જામનગર જિલ્લા એન.સી.સી. પ્લાટુન, જામનગર જિલ્લા એસ.પી.સી. પ્લાટુન તેમજ અશ્વદળ પ્લાટુન દ્વારા માર્ચ પાસ્ટ યોજવામાં આવી હતી.
વીર શિરોમણી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ
જામનગરમાં જાજરમાન ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના શુભ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વીર શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ પ્રતિમાનું અનાવરણ કરીને ચેતક પર અસવાર મહારાણા પ્રતાપને નમન કર્યા હતા તેમજ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હેલિકોપ્ટર માંથી પ્રતિમા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ક્ષત્રિય પરંપરા મુજબનો તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો. મંત્રી દ્વારા ઉદઘાટિત આ પ્રતિમા 7.4 ફૂટ ઊંચી છે તેમજ 110 કિલો વજન ધરાવે છે.
મેવાડના મહારાણા ઉદયસિંહ બીજા તેમજ મહારાણી જયવંતાબાઈના પુત્ર અને મુગલોને પરાજિત કરનારા સિસોદિયા રાજવંશના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા જામનગરમાં ગૌરવ પથ પર કોર્ટ બિલ્ડિંગ સામેના સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી છે. આ સર્કલને મહાનગરપાલિકા દ્વારા 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી મહારાણા પ્રતાપ સર્કલ તરીકે વિકસાવવામાં આવ્યું છે.