ઇન્દોર ખાતે પશુ વૈજ્ઞાનિકોની શિબિર યોજાઇ
રાષ્ટ્રીય કામધેનુ આયોગના પ્રથમ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયા વેટરનરી યુનિવર્સિટી-ઇન્દોર અને એસોસીએશન ઓફ એનીમલ સાયન્ટીસ્ટસ દ્વારા યોજાયેલી ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. ડો.કથીરીયાએ રાષ્ટ્રની વિવિધ યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીઓના ડીન તથા એચ.ઓ.ડી. તથા કોલેજોના વેટરનરી પ્રોફેસર્સ વિગેરે સાથે વાર્તાલાપ કર્યો હતો. બદલતા યુગ પ્રમાણે કોલેજમાં જે મુજબનો ગૌ આધારીત રીસર્ચ કરવો જોઇએ તે મુજબના રીસર્ચ માટે ડો. કથીરીયાએ અનુરોધ કર્યો હતો. ગાયની એનાટોમી એટલે કે શરીર રચના અને એમા પણ જસી ગાય અને દેશીકૂળની ગાયની શરીર રચનામાં તફાવત તથા પંચગવ્ય ગાયના દુધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર એમા પણ જર્સીના અને દેશી ગાયના તફાવત છે. તેનું સાયન્ટીફીક રીસર્ચ થાય તે માટે
ડો. કથીરીયાએ સૂચનો કર્યા હતા. સાથે સાથે યુનિવર્સિટીની અંદર ગૌ મેનેજમેન્ટના વિવિધ અભ્યાસક્રમો શરૂ કરવા અને રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા ગૌ આધારીત ઉદ્યોગો વિવિધ પરીયોજના બની રહી છે તે અંગેની વિસ્તૃત માહિતી ડો. કથીરીયાએ પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી. દેશના દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં અંદરમાં એક ગૌશાળા ઉભી કરી ત્યાં પણ “ગૌ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવા અનુરોધ કર્યો હતો. વેટરનરી યુનિવર્સિટીઓ નવી નવી યોજનાઓ નવા નવા પ્રોજેકટ તૈયાર કરીને કેન્દ્રમાં ગૌ રીસર્ચ કેન્દ્ર તરીકે માન્યતા મેળવે અને આવી સંસ્થાઓના માધ્યમથી ભારતીય ગાય વૈજ્ઞાનિક દ્રષ્યિએ પણ પુન: ગૌરવશાળી સ્વીકૃતિ પામે તેવી આશા ડો. કથીરીયાએ વ્યકત કરી હતી. આગામી દિવસોમાં દેશી કૂળની ગૌમાતાના ગૌમૂત્ર અને છાણની કિંમત ભવિષ્યમાં દૂધ કરતા પણ વધશે તેવો આશાવાદ ડો.કથીરીયાએ વ્યકત કર્યો હતો. યુવા વૈજ્ઞાનિકોને ડો. કથીરીયાએ ‘આઉટ ઓફ ધી બોકસ’ વિચારી ગૌ વિજ્ઞાન, ગૌ આધારીત અર્થકારણના વ્યાપ અને વિસ્તાર વધારવા લાગી જવા હાકલ કરી હતી.