ગ્રામ પંચાયતે કરોડોની કિંમતની જમીન ઉપર પોલીસ રક્ષણ સાથે બુલડોઝર ફેરવી દીધું દબાણ હટાવ્યા બાદ જમીન ઉપર સદભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણ કરાયું
પડધરીના મોટા રામપર ગામે ગ્રામપંચાયત દ્વારા ગૌચરની દોઢ એકર જમીન ઉપરથી દબાણ હટાવીને તેને ખુલ્લી કરવામાં આવી હતી. હાઇવે ટચ કરોડોની કિંમતની આ જમીનને ખુલ્લી કરાવ્યા બાદ ગ્રામપંચાયત દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમના સહયોગથી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
મોટા રામપર ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ સર્વે નંબર ૬૮૦ની અંદાજે દોઢ એકર જમીન ગૌચર છે. નદી અને હાઇવે ટચ આ જમીનમાંથી પાણીની પાઇપલાઇન પસાર થાય છે. આ જગ્યા ઉપર સવિબેન સોલંકી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. તેઓ ખેડૂતોને પોતાના મશીન ચાલુ કરવા જવા દેતા ન હતા. જેથી આ મામલે ગ્રામ પંચાયતે ઉપરી કક્ષાએથી મંજૂરી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચાયત દ્વારા આ જમીન ઉપર પોલીસને સાથે રાખીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. બાદમાં ખુલ્લી કરાયેલી જગ્યામાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા આ જગ્યામાં ૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.