- સાત દિવસમાં સતત ચોથી વખત ડીમોલેશન
- તાલુકા મામલતદાર કે.એચ. મકવાણાની સરકારી જગ્યા ઉપર દબાણ ખડકી દેનારાઓ સામે આકરી કાર્યવાહી
રાજકોટ તાલુકા મામલતદારની ટિમ દ્વારા છેલ્લા 7 દિવસમાં સતત ચોથી વખત ડિમોલેશન કરવામાં આવ્યું છે. આજ રોજ નવાગામમાં અંદાજે એક કરોડની સરકારી જમીન ઉપર જે મકાન ખડકાયેલું હતું તેને પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યું છે.
આજરોજ તા. 20ના રોજ આણંદપર (નવાગામ) ખાતે સર્વે નંબર 207 પૈકીની આશરે ત્રણ સો ચોરસ મીટર જગ્યા પર ખડકાયેલ ગેરકાયદેસર મકાનનું બાંધકામ મામલતદાર, રાજકોટ તાલુકા કે.એચ.મકવાણા તથા નાયબ મામલતદાર દબાણ દ્વારા પોલીસની હાજરીમાં દૂર કરાવેલ છે. આ સરકારી જમીનની કિંમત આશરે એક કરોડ જેટલી થવા પામે છે.
ઉલ્લેખનીય છે કે આ મકાન 3થી 4 વર્ષ પહેલાં બેડીથી માલિયાસણ હાઇવે ઉપર બ્લેક સ્ટોન હોટલની પાછળના ભાગે સરકારી જમીન ઉપર બનાવવામાં આવ્યું હતું. વશરામભાઈ શેખ નામના વ્યક્તિ દ્વારા આ મકાન બનાવવામાં આવ્યું હતું. જેનો 2023માં મામલતદાર સમક્ષ કેસ ચાલ્યો હતો. આ વેલાઈબદબાણ હોવાનું પુરવાર થયું હતું. અગાઉ દબાણ દૂર કરવાનો હુકમ થયો હોય તાલુકા મામલતદારની ટિમ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે મકાનને તોડી પાડવામાં આવ્યું છે.
તાલુકા મામલતદારની ટીમ દ્વારા છેલ્લા 7 દિવસમાં ચાર સ્થળોએ સરકારી જગ્યા ઉપર ખડકાયેલ દબાણ દૂર કરવામાં આવ્યા છે. જેને પગલે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.