કચ્છના પ્રવાસે આવેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા દિવસે સવારે ધોળાવીરા હેલિપેડ ખાતે પધાર્યાં, ત્યારે પ્રાચીન માનવ સભ્યતાની સાક્ષી એવી આ ધરા પર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિનું આ તકે ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરીયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ધોળાવીરા ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઝીલુભા સોઢાએ સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ આ મુલાકાત દરમિયાન પ્રાચીન માનવ સભ્યતાના ઇતિહાસની ધરોહર એવી ધોળાવીરા વર્લ્ડ હેરિજેટ સાઇટની મુલાકાત લેશે. ધોળાવીરા ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કચ્છી કલાઓથી સજ્જ સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજરોજ કચ્છ મુલાકાતના દ્વિતીય દિવસે વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી હતી. ધોળાવીરા સાઈટની મુલાકાત બાદ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, તાલીમી સનદી અધિકારી ઈ. સુસ્મિતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહિલ સહિત સમગ્ર કચ્છ જિલ્લા વહીવટીતંત્રની ટીમે કચ્છી કલાઓથી સજ્જ સ્મૃતિચિહ્ન રાષ્ટ્રપતિને અર્પણ કર્યું હતું. આ તકે રાષ્ટ્રપતિએ ધોળાવીરા પરિસરમાં મહાનુભાવોની સાથે વૃક્ષારોપણ કર્યું હતું.