- વર્ષો બાદ ઉજળીયાત સમાજની મહિલા પાલિકાના પ્રમુખ પદે બિરાજશે
- ગત નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરની જનતાએ ગત ચૂંટણી કરતા એક બેઠક ભાજપને ઓછી આપી છે. પણ 27 બેઠકો આપી ભાજપને નગરપાલીકામાં સત્તાનું સુકાન સોપેલ છે.
પાલિકામાં અગાઉ 5 બેઠક બીનહરીફ થયા બાદ મતગણતરી પૂર્ણ થતા ભાજપને 27 જેટલી બેઠકો મેળવી દેશ રાજયની સાથે સાથે શહેરીજનોએ નગરના વિકાસ માટે સહભાગી બનવાનો રસ્તો કરી આપ્યો છે. આગામી પ્રમુખ પદ પ્રથમ અઢી વર્ષ માટે સ્ત્રી સામાન્ય બેઠક છે અને ત્યાર પછીના અઢી વર્ષ ઓબીસી સ્ત્રી અનામત બેઠક છે. તેથી આગામી ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં અને શહેરને ભ્રષ્ટાચાર મૂકત શાસન મળે તે માટે કોઈ સવર્ણ મહિલાને પ્રમુખ બનાવવામાં આવે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે. હાલ ભાજપમાંથી 8 જેટલી મહિલાઓ સવર્ણમાંથી ચૂંટાઈને આવેલ છે. તેઓ માટે આજ વખતે નગરપાલિકાના પ્રમુખ બનવા કોઈ એકને લોટરી લાગવાની સંભાવના છે.
અગાઉના સમય દરમ્યાન સ્ત્રી સામાન્ય પ્રમુખ પદ હોય છતા સ્થાનીક અને ઉપરની નેતાગીરી પોતાની મનમાની ચલાવી અન્યને આ પ્રમુખ પદ પર બેસાડી દેતી હતી પણ આ વખતે જ્ઞાતી જાતીના સમીકરણો અને આગામી ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ સવર્ણ સમાજને વર્ષો પછી પ્રમુખ પદની તક મળી છે તે છીનવાઈ ન જાય તે માટે સવર્ણ સમાજના પ્રબળ દાવેદારી દેખાઈ રહી છે. હાલ પ્રમુખ પદ માટે સવર્ણ સમાજમાંથી બે ટર્મથી ચૂંટાઈ આવતા જુનાજોગી ક્રિશ્ર્નાબેન લાડાણી જયશ્રીબેન સોજીત્રા, જીજ્ઞાબેન વ્યાસ, કાજલબેન કાલરીયા સહિતના નામો ઉપસી રહ્યા છે. આ ઉપરાંત પણ ભાજપમાંથી ચૂંટાયેલા સવર્ણ મહિલાઓના નામો પણ પ્રમુખ પદ માટે બોલાઈ રહ્યા છે. હાલ સમગ્ર શહેરમાં આગામી પ્રમુખ પદની ખુરસી પર કોણ બેસશે તેની ચર્ચાઓ જોર પકડી રહ્યું છે. પણ સૌ વાતની એક વાત આ વખતે જો ભાજપ સવર્ણ સમાજની ઉપેશા કરશે તો આગામી ધારાસભાની ચૂંટણીમાં તેની ભારે અસર પડી શકે છે. તેવી શહેરમાં ચર્ચા થઈ રહી છે. અગાઉની જેમ જો ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદની ખુરશી ઉપર સવર્ણનો હક છીનવી લેશે તો તેની દુરોગામી અસર પડે તેવું રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. ભારતીય જનતાપાર્ટીએ આજ વખતે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે છાસ ફૂંકી ફૂંકીને પીવી પડે તેવું દેખાઈ રહ્યું છે. શહેરની જનતા 2002નું શાસન જોવા માગે છે. બે દાયકા પહેલા પૂર્વ ધારાસભ્ય પ્રવિણ માંકડીયા દ્વારા શહેરનાં વિકાસ માટે જે શાસકોને નગરપાલિકાની ધુરા સોપીતી તેમાં શારદા લાડાણી, વિનુ ઘેટીયા, શારદા સોજીત્રા સહિત સજજન લોકોને બેસાડી એક આદર્શ નમુનો પૂરો પાડયો તો ત્યારે શહેરની જનતા પણ આ વખતે 2003નું પૂનરાવર્તન કરી આવા શાસકોની વાત જોઈ રહી છે.