અરૂણાચલ પ્રદેશના પૂર્વોત્તરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો: આસામના ડિબ્રુગઢ અને ગોહપુરમાં બે રેલી સાથે જાહેરસભા પણ સંબોધી
વડાપ્રધાન મોદી આજે અરૂણાચલ પ્રદેશના પુર્વોત્તરમાં લોકસભા ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો છે. અહીં તેઓએ નામદારને લોકોની ભલાઈ નહીં પરંતુ પોતાની મલાઈની ચિંતા હોવાનું જણાવ્યું. સાથે જ કહ્યું કે જો તેમને ફરી ઘૂસાડીશું તો તેઓ મલાઈ ખાઈ જશે. આસામના ડિબ્રૂગઢ અને ગોહપુરમાં પણ આજે તેમની બે રેલી છે.
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “કોંગ્રેસના નામદારોએ અરૂણાચલની ચિંતા ન કરી. અરૂણાચલ પહેલી વખત રેલ મેપ પર લાવવાનું કામ આ ચોકીદારે જ કર્યું. બોગીબીલ પુલની શરૂઆત કરી. આઝાદીના ૭૯ વર્ષ પછી તમને હવાઈ કનેક્ટિવિટી મળી. દશકાઓથી જાણકારો કહેતા હતા કે અરૂણાચલનું ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરવાની જરૂર છે. નામદાર અને તેમના રાજદરબારીઓએ તમારી ભલાઈ નહીં, પોતાની મલાઈની જ ચિંતા કરી હતી. હવે તેઓને બીજી વખત ઘૂસવા ન દેતા નહીંતર તમારી મલાઈ ચટ કરી જશે. ગરીબોની મલાઈ કોણ ખાઈ ગયું હતું. તેમની ખાવાની તાકાત એટલી છે કે તેઓ અરૂણાચલ અને કેરળની પણ ખાઈ શકે છે. તેમની સરકારમાં દિલ્હીમાં હોય કે કોઈ પણ રાજ્યમાં કરપ્શન સાથે તેમનો સંબંધ મજબૂત રહ્યો છે. આ જ તેમનું સાચું ગઠબંધન છે.”
વડાપ્રધાને કહ્યું કે, “દિલ્હીમાં બેઠેલા (કોંગ્રેસના) નેતા ઈન્કમટેક્સ ચોરે છે. નામદાર પોતે જામીન પર છે. જો તે ન મળ્યાં હોત તો ક્યાં હોત? પોતે તો બચી ગયા અને ચોકીદારને ગાળો આપી રહ્યાં છે. આ લોકોને ટેકન ફોર ગ્રાન્ટેડની જૂની આદત છે. તેઓને દેશ અને યુવાનોના સામર્થ્ય પર વિશ્વાસ નથી. આ એવાં લોકો છે જેઓને દેશની ઉપલબ્ધિ પર નામદારો અને રાગદરબારીઓના ચેહરા લટીક જાય છે, બસ રોવાનું રહે છે.”
“સર્જિકલ સ્ટ્રાઈક અને મિશન શક્તિ પર આ લોકો બેચેન થઈ જાય છે. આ આતંકવાદીઓના આકાઓની ભાષા બોલે છે. આજે તેમને ભારતમાં કોઈ પૂછનારું નથી, પરંતુ પાકિસ્તાનમાં તેમના ચેહરાઓ ચમકે છે. ટીવી પર નિવેદનો ચાલે છે. તેઓને એક પડોશી દેશ પ્રત્યે એટલો પ્રેમ આવે છે કે પૂર્વોત્તર જ નહીં, તેઓને તો ભારત જ નથી ગમતું.”
પૂર્વોત્તરની ૨૫ સીટ જીતવાનું લક્ષ્ય: ભાજપે આ વખતે પૂર્વોત્તરની ૨૫ લોકસભા સીટ જીતવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ગત વખતે ગઉઅને ૮ સીટ મળી હતી. અરૂણાચલની બે લોકસભા અને ૬૦ વિધાનસભા સીટ પર સાથે મતદાન થવાનું છે. બીજી બાજુ આસામ લોકસભા સીટની રીતે સૌથી મોટું રાજ્ય છે, અહીં ૧૪ સીટ પર ૧૧, ૧૮ અને ૨૩ એપ્રિલે મતદાન થશે.