રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જયંતીના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પોરબંદર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે અહીં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આયોજીત કાર્યક્રમમાં લાગ લીધો. કોવિંદે ગાંધીજીના જન્મસ્થળ કિર્તી મંદિર ખાતે પુષ્પગુચ્છ અર્પણ કર્યા બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું લોન્ચિંગ કર્યું અને ગ્રામ્ય ગુજરાતને ઓડીએફ સ્ટેટસ આપ્યું. આ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રપતિએ પોરબંદર ખાતે જ માંગરોળ ફેઝ-3 ફિશિંગ હાર્બરનું ખાતમુહૂર્ત કર્યું તથા 45 ગામોને પીવાનું પાણી પહોંચાડવાની યોજનાનું ઉદ્ઘાટન કર્યું.
ગ્રામ્ય ગુજરાતને ઓડીએફ સ્ટેટસ આપવાના પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, “100 ટકા ગ્રામિણ સ્વચ્છતાનું લક્ષ્ય પ્રાપ્ત કરીને ગુજરાતે આપણા બાપુના પ્રતિ સાચી શ્રદ્ધા વ્યક્ત કરી છે.”કોવિંદે વધુમાં જણાવ્યું કે, “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આપણી આઝાદીનીના કર્ણધાર હતા. લોખંડી પુરુષ સરદાર પટેલ આપણી એકતાના નિર્માતા હતા.ભારતને સમગ્રપણે સ્વચ્છ બનાવવું દરેક ભારતવાસીની જવાબદારી છે, આ વાત બાપુએ જોતે સફાઈ કરીને સૌને શીખવાડવાનો પ્રયાસ કર્યો.
કોવિંદે ફિશિંગ હાર્બર અને પાણી પુરવઠા યોજનાના શુભારંભ પ્રસંગે કહ્યું કે, સૌરાષ્ટ્રના લોકો પોતાના પરિશ્રમ તથા પુરુષાર્થ માટે જાણીતા છે. અહીંના લોકો ગુજરાતની ઉદ્યમશીલતાનું પ્રતિનિધિત્વ કરે છે.
દેશના બંદરોથી થનારી કુલ ટ્રાન્સપોર્ટનો લગભગ 48% ગુજરાતના બંદરોથી થાય છે. આ ગુજરાત માટે ગર્વની વાત છે.સમુદ્રની માછલીઓના વ્યવસાયમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે; સમગ્ર દેશનો લગભગ 20% ભાગ કોસ્ટલ ગુજરાતથી આવે છે.ફિશિંગ હાર્બર્સ અને ફિશ લેન્ડિંગ સેન્ટર્સના નિર્માણથી ગુજરાતની અર્થવ્યવસ્થાને ફાયદો થશે, લોકોનું જીવન સ્તર સુધરશે.