તત્કાલીન કલેક્ટરે લાખોના ખર્ચે તૈયાર કરેલા પ્રોજેક્ટની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું
કલેક્ટર કચેરીમાં ઓપન થિયેટર અને વર્ટિકલ ગાર્ડનના હાલ બેહાલ બન્યા છે. તત્કાલીન કલેક્ટરે લાખોના ખર્ચે આ બન્ને પ્રોજેક્ટ તૈયાર કર્યા હતા. પણ તેની જાળવણીમાં તંત્ર ઉણું ઉતરતા લાખોનો ખર્ચોનો ધુમાડો થઈ ગયો છે. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે અગાઉના કલેક્ટર દ્વારા મેઈન ગેઇટ પાસેની દીવાલોમાં વર્ટિકલ ગાર્ડન તૈયાર કરાવ્યું હતું. કલેક્ટર કચેરીની શોભા વધારતું આ વર્ટિકલ ગાર્ડન હાલ સત્યાનાશ પામ્યું છે. પાણીના અભાવે માત્ર પ્લાસ્ટિકના બોક્ષ જ વધ્યા છે.
અંદરના છોડ તો સુકાઈને નાશ પામ્યા છે. બીજી તરફ કલેક્ટર કચેરીમાં કલાને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે આગળના ભાગે અને પાછળના ભાગે ઓપન થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કલાકારો પોતાની કલાની પ્રેક્ટિસ કરી શકે તેમજ શોનું આયોજન કરી શકે તે માટે આ ઓપન થિયેટર બનાવાયું હતું. પણ હાલ આ ઓપન થિયેટર જાળવણીના અભાવે ખંઢેર જેવું બન્યું છે. પાછળના ભાગે ઓપન થિયેટરની જાળીઓ તૂટી ગઈ છે. તેમજ આગળના ભાગે ઓપન થિયેટરમાં ઘાસ ઊગી નીકળ્યું છે.
આ ઉપરાંત ત્યાં સફાઈનો પણ અભાવ જોવા મળે છે. રાજકોટના અગાઉ કલેક્ટર દ્વારા બે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ બન્ને પ્રોજેક્ટ અત્યારે દયનિય હાલતમાં છે. કલેક્ટર તંત્રએ આ અંગે ધ્યાન દેવું જરૂરી બન્યું છે. અગાઉ બન્ને પ્રોજેક્ટ પૂર્ણ કરી કચેરીની શોભા વધારવા માટે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પણ જાળવણીના અભાવે આ ખર્ચ પાણીમાં ગયો છે.