બિપરજોય વાવાઝોડાના સંકટને લઈને આર્મીની તૈયારીઓની સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી
કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કચ્છ જિલ્લાના મુખ્યમથક ખાતે બિપરજોય વાવાઝોડાના સંકટ સામે વહીવટીતંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જે બાદ કેન્દ્રિય મંત્રી માંડવીયાએ ભુજ ખાતે વાવાઝોડાના સંભવિત ખતરા સામે આર્મીની તૈયારીઓની સમીક્ષા કરીને જવાનો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રિય મંત્રીએ આર્મીના જવાનોનો ઉત્સાહ વધારતા કહ્યું કે, કોઈપણ આપદા હોય આર્મીની હાજરી માત્રથી લોકો સુરક્ષિત હોવાનો અહેસાસ કરે છે. નાગરિકોનો એક અતૂટ ભરોસો આર્મી પર છે. આપદા સમયે આર્મીના જવાનોને બચાવ રાહતની તૈયારીઓ સાથે જોઈએ કેન્દ્રિય મંત્રી માંડવીયાએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. મીનીમમ લોસ, ઝીરો કેઝ્યુઆલટીની અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
ભુજ આર્મી સ્ટેશનના બિગ્રેડિયર અમર કુહિતેએ કેન્દ્રિય મંત્રીને આપદા સામેની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કુહિતેએ જણાવ્યું હતું કે, આર્મીની જવાનો બચાવ રાહતની સામગ્રી સાથે કોઈપણ આપદાને પહોંચી વળવા તૈયાર છે. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ હર્ષદ પટેલ સહિત આર્મીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છ વન વિભાગ એક્શન મોડમાં: યુધ્ધના ધોરણે ભયજનક વૃક્ષોને ટ્રિમીંગ કરવાની કામગીરી
બિપોરજોય વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઈને કચ્છનો વનવિભાગ એકશન મોડમાં આવી ગયો છે. માનનીય કલેક્ટરશ્રીની સૂચના અન્વયે વન વિભાગ દ્વારા ભયજનક વૃક્ષોને ટ્રિમીંગ કરવા છેલ્લા બે દિવસથી ડ્રાઇવહાથ ધરવામાંઆવી છે. જેમાં કચ્છ જિલ્લાના વિવિધ સ્થળોએ ભયજનક વૃક્ષોની ઓળખ કરી તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ટ્રિમીંગકરવાની કામગીરી કરવામાં આવી રહી છે.આ કામગીરી માટે તાલુકાવાઈઝ જુદી-જુદી 21 ટીમો બનાવી વૃક્ષોના ટ્રિમીંગની કામગીરી કરવામાંઆવી રહી છે. આ કામગીરીમાં પોલીસ વિભાગ તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ સંકલનમાંરહી કામગીરી કરવામાં આવી રહેલી છે. અત્યાર સુધીમાં વન વિભાગ દ્વારા કુલ 453 ભયજનક વૃક્ષોની ઓળખ કરી જરૂરિયાત મુજબનું ટ્રિમીંગ કરવામાં આવેલું છે.સાથે-સાથે જો બિપોરજોય વાવાઝોડાંને લીધે વૃક્ષો પડવાથી રોડ બ્લોકેજની ઘટના બને તો વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત બને તે માટે વન વિભાગ દ્વારા અલાયદી કુલ 73 ટીમની રચના કરવામાં આવેલી છે. આ ટીમ જે.સી.બી., ટ્રેક્ટર, દોરડા, ટ્રી-કટર વગેરે જેવા સાધનોથી સજ્જ છે.
છેલ્લા બે દિવસમાં વાવાઝોડાની અસરના કારણે ભારે પવન થકી આઠ વૃક્ષો પડી જવાની ઘટના બની હતી. ઘટના બાદ ગણતરીના સમયમાં વનવિભાગની ટીમો દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી વૃક્ષો હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. વૃક્ષોને પગલે જિલ્લામાં આ ઉપરાંત વન વિભાગ દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી માટે તાલુકાવાઈઝ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલી છે. જેમાં ભુજ તાલુકામાં નોડલ અધિકારી પરીમલ પટેલ, મો.9427535823, ભચાઉ તાલુકામાં ભગીરથસિંહ ઝાલા, મો.9601846007, અંજાર અને ગાંધીધામ તાલુકામાં પી.એમ.જાદવ મો.9825064869, મુંદરા તાલુકામાં વી.સી.મોદી મો.9898112366, માંડવી તાલુકામાં એમ.આઇ.પ્રજાપતિ મો.7016720243, નલીયામાં કનકસિંહ રાઠોડ મો.6352470925, નખત્રાણા તાલુકા માટે આઇ.જે.મહેશ્વરી , મો.7984315886, દયાપરમાં હસમુખ ચૌધરી,મો. 7020036964 તથા રાપર તાલુકામાં સી.એસ.પટેલ ,મો.9909465770નો સંપર્ક કરી શકાશે.
ગાંધીધામ: શેલ્ટર હોમ્સની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કરતાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી
વાવાઝોડાના આગાહીના પગલે કંડલા પોર્ટની કામગીરી સદંતર બંધ કરવામાં આવી છે ત્યારે કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોર્ટની મુલાકાત લીધી હતી. દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન એસ.કે.મહેતાએ કેન્દ્રિય આરોગ્ય મંત્રીને પોર્ટની કામગીરી સદંતર બંધ હોવાનું જણાવીને તમામ કર્મચારીઓના સ્થળાંતર વિશે માહિતી આપી હતી. કેન્દ્રિય મંત્રીએ પોર્ટની આજુબાજુના વિસ્તારમાં જો કોઈ બાકી રહી ગયા હોય તો તેવા માછીમારો, અગરીયા, મજૂરોને સલામત સ્થળે ખસેડવા માટે સૂચન કર્યું હતું. દીનદયાળ પોર્ટ દ્વારા તમામ કામગીરી સ્થગિત કરીને કર્મચારીઓને પોતાના વતનમાં જવા કે સલામત સ્થળે ખસી જવા કહેવામાં આવ્યું છે.
અલગ અલગ ત્રણ જેટલી જગ્યાએ દીનદયાળ પોર્ટ દ્વારા શેલ્ટર હોમ્સની વ્યવસ્થા પણ સ્થળાંતરિત થયેલા નાગરિકો માટે કરવામાં આવી છે. પોર્ટ પ્રશાસન દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરીને કોઈપણ વ્યક્તિ દરિયાકાંઠાના વિસ્તારોમાં ન રહી જાય તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ તમામ બાબતો અંગે પોર્ટના અધિકારીઓ દ્વારા કેન્દ્રિય આરોગ્ય મંત્રીને અવગત કરાવવામાં આવ્યા હતા. ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ દ્વારા તૈયાર થયેલા શેલ્ટર હોમ્સની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કેન્દ્રિય આરોગ્ય મંત્રી માંડવીયાએ કર્યું હતું. પોર્ટ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારી અંગે જાણકારી મેળવીને આરોગ્ય મંત્રીએ વાવાઝોડાનો ખતરો ટળે નહિ ત્યાં સુધી જરૂરી સલામતીના પગલાં લેવા જણાવ્યું હતું.