આપઘાત પહેલા પરિણીતાએ પતિના ચારિત્ર પર શંકા અંગે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવતા ચકચાર
લોધિકાના મેટોડા ગામે એકતાનગર સોસાયટીમાં રહેતા અને સાત માસ પહેલા જ લગ્ન થયેલાં પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે. મૃતક સગર્ભા હોય અને તેને પોતાના માવતરનો કઈ વાક નથી તથા પતિના ચારિત્ર પર શંકા કરતી સ્યુસાઈડ નોટ લખી મોત વ્હાલું કરી લીધા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધીકાના મેટોડામાં આવેલા એકતાનગરમાં રહેતી જયશ્રીબેન નયનભાઈ દાફડા નામની 22 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રિના દસેક વાગ્યાના આસપાસ ગળેફાંસો ખાઈ લીધો હતો. જેથી પરિવારજનોને જાણ થતાં પરિણીતા જયશ્રીબેન દાફડાને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.
આ અંગે ઘટનાની જાણ થતાં લોધીકા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસ હાથધરી હતી. જેમાં પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક જયશ્રીબેન જામનગર માવતર ધરાવતી હતી અને તેણીના સાત માસ પૂર્વે જ નયન દાફડા સાથે લગ્ન થયા હતા.
હાલ તેણીને બે માસનો ગર્ભ હતો મૃતક જયશ્રીબેન દાફડા પાસેથી એક સાત પાનાની સ્યુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી. જેમાં પરિણીતાએ લખ્યું હતું કે, “મારા ઘરમાં મારું કોઈ ધ્યાન આપતા નથી અને મારા માતા પિતાનો કોઈ વાંક નથી.” આ ઉપરાંત પતિના ચારિત્ર પર શંકા હોવાના કારણે જયશ્રીબેન દાફડાએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે લોધિકા પોલીસે સ્યુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.