વાંકાનેરની સિરામિક ફેકટરીમાં બોમ્બ જેવી વસ્તુનું પાર્સલ મળ્યું, બોમ્બ સ્ક્વોડે પાર્સલને દૂર લઈ જઈ સ્પાર્કથી બ્લાસ્ટ કરી દીધું
પોલીસ દ્વારા બેથી વધુ લોકોની પૂછપરછ અર્થે અટકાયત: તપાસનો ધમધમાટ
ટીખળખોરના બોમ્બ પાર્સલે તંત્રને ધંધે લગાડી દીધું છે. વાંકાનેરની સિરામિક ફેકટરીમાં બોમ્બ જેવી વસ્તુનું પાર્સલ મળ્યું હતું. બાદમાં બોમ્બ સ્ક્વોડે પાર્સલને દૂર લઈ જઈને સ્પાર્કથી બ્લાસ્ટ કરી દીધું હતું. ઉપરાંત પોલીસે આ મામલે બેથી વધુ લોકોની પૂછપરછ માટે અટકાયત કરી તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો.
વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિક નામનું એકમ આવેલું છે. અહી બાઇક ઉપર અજાણ્યા શખ્સોએ આવીને કોમ્પ્યુટર વિભાગનું પાર્સલ આવ્યું છે તેમ કહી એક પાર્સલ આપ્યું હતું. આ પાર્સલ થોડું ખોલતા તેમાંથી બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા એકમમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને મેનેજમેન્ટના હોશ ઉડી ગયા હતા.આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા એલસીબી, એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાદમાં તુરંત જ રાજકોટ ખાતેની બોમ્બ સ્કવોડને જાણ કરવામાં આવતા તે પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
વાંકાનેર પાસે સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિક નામના એકમમાંથી બોમ્બ જેવી શંકાસ્પદ પાર્સલમાંથી મળી આવવાના બનાવમાં જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ જણાવ્યું કે અજાણ્યો શખ્સ વોચમેનને પાર્સલ આપી ગયો હતો. બાદમાં માલિકને પાર્સલમાં બોમ્બ જેવી વસ્તુ દેખાતા તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. બોમ્બ સ્ક્વોડના જણાવ્યા મુજબ પાર્સલમાં કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. હાલ એફએસએલ દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
ફેકટરીના સિક્યુરિટી ગાર્ડને પાર્સલ આપી જનાર હિન્દી ભાષી શખ્સે પાર્સલની સાથે એક નંબર પણ આપ્યા હતા. જેનો સંપર્ક કરવાનો ફેકટરી માલિકે પ્રયત્ન પણ કર્યો હતો. અને આ નંબર ઉપરથી ફેકટરી માલિકને બેથી ત્રણ મેસેજ પણ મળ્યા હતા. આવુ જિલ્લા પોલીસ વડાએ પણ સતાવાર રીતે જણાવ્યું છે. પણ શુ મેસેજ આવ્યા અને શુ વાતચીત થઈ તે હજુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.
વધુમાં સુત્રોમાંથી એવી વિગતો મળી રહી છે કે પોલીસે પૂછપરછ માટે બેથી વધુ લોકોની અટકાયત પણ કરી છે. અને પાર્સલમાં કોઈ વિસ્ફોટક પદાર્થ ન હતો પણ બોમ્બ જેવીજ બીજી વસ્તુઓ બેટરી, ઘડિયાળ વગેરે મુકવામાં આવ્યું હતું. જો વિસ્ફોટક પદાર્થ હોત તો બ્લાસ્ટ થઇ શકત. બીજી બાજુ ફેકટરી માલિકને મોબાઈલમાં મેસેજ પણ મળ્યા છે.
પાર્સલમાં કોઈ વિસ્ફોટક પદાર્થ ન હતો : એસપી એસ.આર.ઓડેદરા
જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે સિરામિક ફેકટરીમાં અજાણ્યો શખ્સ સિક્યુરિટી મેનને પાર્સલ આપી ગયો હતો. બાદમાં માલિકને પાર્સલમાં બોમ્બ જેવી વસ્તુ દેખાતા તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. બોમ્બ સ્ક્વોડના જણાવ્યા મુજબ પાર્સલમાં કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. હાલ એફએસએલ દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.