કોરોનાના વધતા સંક્રમણને કારણે કાલથી લેવાનારી પરીક્ષા હાલ પુરતી મુલત્વી રાખવાનો શિક્ષણ બોર્ડનો નિર્ણય
રાજ્ય અને દેશભરમાં કોરોના ફરી વકરતા દિવસે ને દિવસે રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યાં છે. એકબાજુ કોરોના ત્યારે બીજીબાજુ બોર્ડની પરીક્ષાને લઈ શિક્ષણ બોર્ડ ચિંતીત બન્યું છે.
ધો.10ની શાળા કક્ષાની વિષયની પરીક્ષાઓ આવતીકાલ એટલે કે 15 એપ્રીલથી 30 એપ્રીલ સુધી લેવાનાર હતી. જો કે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ હાલ પુરતી આ પરીક્ષા મુલત્વી રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શાળા કક્ષાના વિષયની સૌદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ 15 એપ્રીલ 2021 થી 30 એપ્રીલ 2021ના સમયગાળા દરમિયાન શાળાઓએ આ પરીક્ષા એસએસસી બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ તુર્ત જ ત્રણ દિવસની અંદર લઈ લેવાની રહેશે. ગઈકાલે શિક્ષણ બોર્ડના સભ્ય પ્રિયવદનભાઈ કોરાટે શિક્ષણ બોર્ડના ચેરમેનને રજૂઆત કરી હતી કે, એકબાજુ કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે કાલથી શરૂ થનારી પરીક્ષા જો લેવામાં આવે તો બાળકોમાં કોરોનાનું જોખમ વધશે. જેથી આ પરીક્ષા લેવી કે કેમ ? તેના મુદ્દે અસમંજસ હતી. આ બાબતે પ્રિયવદન કોરાટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે રજા હોવા છતાં ચેરમેન દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને પરીપત્ર કરી જાણ કરવામાં આવી છે કે, ધો.10ની આવતીકાલથી શરૂ થનારી પરીક્ષા હાલ પુરતી મુલત્વી રાખવામાં આવે અને આગામી માસમાં બોર્ડની જે મુખ્ય પરીક્ષા શરૂ થઈ રહી છે તે પૂર્ણ થયા બાદ તુર્ત જ ત્રણ દિવસની અંદર સૈદ્ધાંતિક અને પ્રાયોગીક પરીક્ષાઓ લેવાની રહેશે.
રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6500 કેસ નોંધાયા છે ત્યારે રાજકોટમાં સ્થિતિ અતિ ગંભીર બનતી જઈ રહી છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 55 દર્દીઓના મોત થયા છે. ત્યારે આવતીકાલથી શરૂ થનારી પરીક્ષા જો લેવામાં આવે તો વિદ્યાર્થી માટે ખુબજ જોખમકારક સાબીત થઈ શકે તેમ હતું તેથી શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને ધો.10ની પ્રેક્ટિકલ પરીક્ષા હાલ પુરતી મુલત્વી રાખવામાં આવી છે.
આ ઉપરાંત હાલ રાજ્યભરની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ બંધ છે. વિદ્યાર્થીઓ ઘરબેઠા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યાં છે. બોર્ડની પરીક્ષા આગામી મે માસમાં શરૂ થવા જઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ ઘરબેઠા જ તૈયારી કરે અને બોર્ડ દ્વારા પણ વિદ્યાર્થીને સરળતા રહે તે મુજબ શેડયુલ બનાવવામાં આવશે. જો કે બોર્ડની મુખ્ય પરીક્ષા તો સમયસર જ લેવામાં આવશે તેમ ગઈકાલે મુખ્યમંત્રીએ પણ જણાવ્યું હતું.
ચેરમેન દ્વારા તમામ ડીઈઓને પરીપત્ર કરીને જાણ કરાઈ છે. ડીઈઓએ તમામ શાળાઓને આદેશ આપી દીધો છે કે આવતીકાલથી લેવાનારી પરીક્ષા હાલ પુરતી મુલત્વી રાખવામાં આવે અને મુખ્ય પરીક્ષા બાદ ત્રણ દિવસની અંદર આ પરીક્ષા લેવાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.