ધો.12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા 28 જુલાઈથી લેવાનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નિર્ણય લીધો છે. અગાઉ રાજ્યની 8 મહાનગર પાલિકામાં કરફ્યુના પગલે પ્રાયોગિક પરીક્ષા લેવાઈ ન હતી. જ્યારે કોરોનાના કારણે 8 મહાનગર પાલિકા સિવાયના વિસ્તારમાં પણ કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી.
જેથી અગાઉની પરીક્ષામાં ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ અને 8 મહાનગર પાલિકાના વિદ્યાર્થીઓ માટે 28થી 30 જુલાઈ દરમિયાન સાયન્સની પ્રાયોગિક પરીક્ષા લેવાશે. આ પરીક્ષા માટે બોર્ડ દ્વારા નક્કી કરેલા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અગાઉ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓએ કોરોનાને લગતા રિપોર્ટ રજૂ કરવાના રહેશે.
વિદ્યાર્થીની અરજી અને આધારા પુરાવાના ગુણ દોષના આધારે ઉમેદવારની પ્રાયોગિક પરીક્ષા અંગે બોર્ડ દ્વારા નિર્ણય કરી શાળાને જાણ કરવામાં આવશે. રિપીટર વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા માટેનું કેન્દ્ર બોર્ડ દ્વારા ફાળવવામાં આવે તે કેન્દ્ર પરથી પરીક્ષા આપવાની રહેશે.