અબતક, નવી દિલ્હી :
બિન અધિકૃત તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર બનાવી નાખી છે. આ સરકારમાં કટ્ટરપંથીઓને સતા સોંપવામાં આવી છે. જેથી હવે અફઘાનમાં વધુ અંધાધૂંધી ફેલાશે તે નક્કી છે. વધુમાં આ સરકારની રચનાથી હવે અમેરિકા પાછલા દરવાજેથી અફઘાનમાં પગપેસારો કરી અફઘાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો હાથ ધરે તો નવાઈ નહી.
ગત 15મી ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજો કર્યાના ગણતરીના દિવસોમાં જ તાલિબાનોએ પોતાની વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી છે. 33 સભ્યો ધરાવતી નવી સરકારના વચગાળાના વડાપ્રધાન તરીકે મુલ્લા મોહમ્મદ હસન અખુંદના નામની જાહેરાત કરાઈ છે. સરકારનું નામ ‘ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાન’ રખાયું છે. જ્યારે તાલિબાનના પ્રમુખ શેખ હિબ્દુલ્લાહ અખુંદજાદા સુપ્રીમ લીડર રહેશે અને તેને અમીર-ઉલ-અફઘાનિસ્તાન તરીકે સંબોધાશે. અબ્દુલ ઘની બરાદરને નાયબ વડાપ્રધાન અને સિરાજુદ્દીન હક્કાની ગૃહમંત્રી બનાવાયા છે. હક્કાનીના માથે અમેરિકાએ 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કરેલું છે.
શુ અફઘાનમાં પાછલા દરવાજે અમેરિકા પગપેસારો કરશે ?
દોહામાં તાલિબાન પોલિટિકલ ઓફિસના ચેરમેન મુલ્લા અબ્દુલ ઘની બરાદર અને મુલ્લા અબ્દુસ સાલમ નવી તાલિબાન સરકારમાં મુલ્લા હસનના નાયબ તરીકે કામ કરશે તેમ ન્યૂઝ ઇન્ટરનેશનલના રિપોર્ટમાં જણાવાયું છે. મુલ્લા હસન હાલમાં તાલિબાનની મહત્વની સંસ્થાના વડા છે. આ સંસ્થા જૂથની તમામ બાબતો ઉપરાંત સરકારી કેબિનેટ ચલાવવા જેવા તમામ મહત્વના કામો કરે છે. જોકે તે માટે તાલિબાનના ટોચના નેતાની મંજૂરી લેવી પડે છે.
મુલ્લા હેબતુલ્લાએ તેમની જાતે જ સરકાર ચલાવવા માટે મુલ્લા હસનના નામની દરખાસ્ત કરી હતી તેમ જણાવતાં અહેવાલમાં ઉમેરાયું છે કે સરકારની રચના અંગે તાલિબાનમાં રહેલા અનેક પ્રશ્નોનો નિવેડો આવી ગયો છે. અહેવાલ મુજબ, મુલ્લા હસન તાલિબાનના જન્મસ્થળ કંદહારના છે અને તેઓ સશસ્ત્ર ચળવણના સ્થાપકોમાં સ્થાન ધરાવે છે. તેમણે રાહબરી શૂરાના વડા તરીકે ૨૦ વર્ષ સુધી કામ કર્યું છે અને મુલ્લા હેબતુલ્લાના નજીકના રહ્યા છે. તેમણે તાલિબાનની ૧૯૯૬થી ૨૦૦૧ સુધી ચાલેલી સરકારમાં વિદેશ મંત્રી અને નાયબ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે. તાલિબાનના સ્થાપક મુલ્લા મોહમ્મદ ઉમરના પુત્ર મુલ્લા યાકૂબ સંરક્ષણ મંત્રી બનશે તેમ અહેવાલમાં ઉમેરાયું છે.
તાલિબાનોએ પોતાની રીતે જ નવી સરકાર રચી દીધી,
33 લોકોને નવી સરકારમાં સ્થાન, નેતાઓ આજથી જ પદભાર ગ્રહણ કરી લેશે
દેશનું સમગ્ર માળખુ જોઈએ તો વડાપ્રધાન તરીકે મહમદ હસન અખુંદ, નાયબ વડાપ્રધાન તરીકે અબ્દુલ ગની બરાદર, ગૃહ મંત્રી તરીકે સીરાજુદીન હક્કીની, સંરક્ષણ મંત્રી તરીકે મુલ્લા યાકુબ, વિદેશમંત્રી તરીકે આમીરખાન મુટ્ટાકી અને જુનિયર વિદેશમંત્રી તરીકે શેર એમડી અબ્બાસની વરણી કરાઈ છે.
જેની ઉપર રૂ. 37 કરોડનું ઇનામ છે તેવા વોન્ટેડ શખ્સને બનાવાયો દેશનો ગૃહમંત્રી!!
તાલિબાન આતંકવાદી સંગઠન છે જેથી જ સ્પષ્ટ હતું કે તેની સરકારમાં આતંકવાદની પૃષ્ટભૂમિ ધરાવનારને જ સ્થાન મળવાનું હતું, અને એ પ્રમાણે જ થયું. આ સાથે એક એવી વ્યક્તિને પણ સ્થાન મળ્યું છે, જેનો પોર્ટપોલિયો અમેરિકા તથા વિશ્વને આશ્ચર્યમાં મૂકી રહ્યું છે. આ નામ છે સિરાઝુદ્દીન હક્કાની. તે કેટલો ખૂંખાર આતંકવાદી છે, એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે અમેરિકાએ તેની પર 50 લાખ ડોલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે આશરે રૂપિયા 37 કરોડના ઈનામની જાહેરાત કરેલી છે.સિરાઝુદ્દીન અને તેના પિતાએ વર્ષ 2008માં કાબુલના ભારતીય દૂતાવાસ પર પણ હુમલો કરાવ્યો હતો. એમાં 58 લોકો માર્યા ગયા હતા. વર્ષ 2011માં અમેરિકાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ રહી ચૂકેલા જનરલ માઈક મુલેને હક્કાની નેટવર્કને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નજીકનો સાગરીત અને એજન્ટ ગણાવ્યો હતો.
વિભાગ – મંત્રી/વડા
પ્રધાનમંત્રી- મુલ્લા મોહમ્મદ હસન અખુંદ
ડેપ્યુટી પીએમ- મુલ્લા બરાદર
ડેપ્યુટી પીએમ -અબ્દુલ સલામ હનાફી
ગૃહમંત્રી -સિરાજુદ્દીન હક્કાની
સંરક્ષણ મંત્રી -મોહમ્મદ યાકુબ મુજાહિદ
નાણામંત્રી- મુલ્લા હિદાયતુલ્લાહ બદરી
વિદેશ મંત્રી- મૌલવી આમિર ખાન મુતક્કી
શિક્ષણ મંત્રી- શેખ મૌલવી નુરુલ્લા મુનીર
શરણાર્થી બાબતોના મંત્રી- ખલીલઉર્ર રહેમાન હક્કાની
નાયબ વિદેશ -મંત્રીશેર મોહમ્મદ સ્ટેનેકજઈ
સંસ્કૃતિ મંત્રાલયના નાયબ મંત્રી- જબીઉલ્લાહ મુજાહિદ
સંરક્ષણ મંત્રાલયમાં ચીફ ઓફ આર્મી -સ્ટાફકારી ફસીહુદ્દીન
આર્મી ચીફ- મુલ્લા ફઝલ અખુંદ
ડેપ્યુટી ચીફ ઓફ ઇન્ટેલિજન્સ- મુલ્લા તાજ મીર જવાદનેશનલ
ડાયરેક્ટોરેટ ઓફ સિક્યુટીરી- પ્રમુખમુલ્લા અબ્દુલ હક વાસિક