હિંદ મહાસાગરનાં દક્ષિણ ભાગથી ૨૯૫૦ કિલોમીટર ઉપરથી પસાર થઇ ઉલ્કા
અંતરીક્ષમાં ઘણીખરી ઉલ્કાઓ રહેલી છે જેનું કદ નાનુ અથવા તો મોટુ હોય શકે છે પરંતુ એક અકલ્પનીય ઘટના એવી ઘટી જેના પરથી કહી શકાય કે પૃથ્વી પરથી ઘાત છરકતી ગઈ હોય. હિંદમહાસાગરના દક્ષિણ ભાગનાં ૨૯૫૦ કિલોમીટર ઉપરથી ઉલ્કા પસાર થઈ છે.
નાસાના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે કે, ઉલ્કાનું કદ ગાડીના કદ જેટલું હતું જે પ્રતિ સેક્ધડ ૧૨.૧૩ કિલોમીટરની ઝડપે આગળ વધતું હતું પરંતુ કોઈપણ સંજોગોવશ ઉલ્કાની ગતિ અને તેની દિશામાં ફેર થતા તે પૃથ્વી સાથે અથડાઈ ન હતી અને સૌથી મોટી ઘાત પણ ટળી હતી. નાસાના જણાવ્યા પ્રમાણે રવિવારના રોજ ઉલ્કા રાત્રીના ૯:૩૮ કલાકે પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. આ ઘટના નાસાના ધ્યાનમાં ૬ કલાક બાદ આવી હતી અને પૃથ્વીથી પસાર થયાના સાડા પાંચ કલાક બાદ નાસાએ તેની પ્રથમ તસવીર પ્રાપ્ત કરી હતી. અંતરીક્ષમાં લાખો ઉલ્કાઓ રહેલી છે પણ તેનું કદ આંકવું ખુબ જ મુશ્કેલ બનતું હોય છે. નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે તેમના દ્વારા જે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો તેમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે, ઉલ્કાએ તેની દિશા ૪૫ ડિગ્રીથી ફરી જતા તે પૃથ્વી સાથે અથડાયું ન હતું અને વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ જો ઉલ્કા પૃથ્વીથી ટકરાઈ હોત તો વિનાશકારી ભુકંપ જેવી દુર્ઘટના પણ ઘટી શકત. અંતરીક્ષ વિજ્ઞાનમાં સૌપ્રથમ વખત એવી ઘટના ઘટી છે કે જયાં વૈજ્ઞાનિકોને ઉલ્કા પૃથ્વીથી પસાર થયા બાદ તેની માહિતી મળી હતી.
નાસા અંતરીક્ષમાં દરેક ઘટતી ઘટનાઓ ઉપર ચાંપતી નજર રાખીને ધ્યાન કેન્દ્રિત કરતું હોય છે ત્યારે હાલ જે ઉલ્કા પૃથ્વીની નજીકથી પસાર થઈ તેની વિગત નાસાને ઘણા સમય બાદ મળી હતી. નાસાના જણાવ્યા મુજબ જે ઉલ્કા પૃથ્વીથી પસાર થઈ છે તેનું કદ જે નિર્ધારીત કરેલા ધારાધોરણો છે તેના પ્રમાણે ખુબ જ નાનુ છે. આ પ્રકારની ઉલ્કાઓ અંતરીક્ષમાં ઘણીખરી વખત ગ્રહોથી પસાર પણ થતી હોય છે અને તેનાથી અથડાતી પણ હોય છે. નાસાના વૈજ્ઞાનિકો પ્રમાણે જે ઉલ્કા કોઈપણ ગ્રહ સાથે ટકરાય પછી તે કદમાં નાની અથવા તો મોટી હોય તે ભુકંપ અને તોફાન પણ સર્જે છે અને તે જોખમની સંભાવના પણ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. પૃથ્વીના ગુરૂત્વાકર્ષણનાં કારણે કયાંકને કયાંક ઉલ્કાની દિશા બદલી હોવાનું પણ સામે આવ્યું છે. નાસાના વાઈડ ફિલ્ડ કેમેરા દ્વારા જે ઉલ્કાની તસવીર લેવામાં આવી છે તે તસવીરથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે, ઉલ્કા ૧૨.૩ કિલોમીટર પ્રતિ સેક્ધડની ઝડપે પસાર થઈ હતી. નાસાના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ઉલ્કા ખુબ મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે પરંતુ જુજ ઉલ્કા જ કેમેરામાં કેદ થાય છે.