21 દિવસમાં 7 સિંગલ રાઉન્ડ, 10 ડબલ હેડર સાથે 18મી આઈપીએલની શરૂઆત થાય તેવી શકયતા
ભારતીય ક્રિકેટ ક્ધટ્રોલ બોર્ડએ આઈપીએલની બાકી રહેલી 31 મેચને લઈ 3 સપ્તાહની વિંડો શોધી લીધી છે. આ મેચ 18 અથવા 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ શકે છે. બીજી બાજુ ટુર્નામેન્ટની ફાઈનલ 9 અથવા 10 ઓક્ટોબરના રોજ રમાઈ શકે છે. 21 દિવસની અંદર લીગ રાઉન્ડમાં 7 સિંગલ, 10 ડબલ હેડર મેચ યોજાઈ શકે છે. આ ઉપરાંત ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2, એલિમિનેટર અને ફાઈનલ સહિત 4 પ્લે-ઓફ મેચ પણ રમાશે. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ આ અંગે માહિતી આપી હતી.
અગાઉ પણ બોર્ડે આ મેચ માટે 2 ઓપ્શન અંગે વિચારણા કરી હતી. તેમા ઈંગ્લેન્ડ અને યુએઈનો સમાવેશ થતો હતો. જોકે, બીસીસીઆઈના સીઈઓ હેમંગ અમીનની પહેલી પસંદગી યુએઈ હતી. તેમનું માનવું છે કે ત્યાં અગાઉ પણ આઈપીએલ રમાઈ ચુકી છે અને ઈંગ્લેડની તુલનામાં યુએઈ સસ્તુ પણ છે. આઈપીએલ 2021 સિઝને કુલ 60 પૈકી 29 મેચ બાદ કોરોનાને લીધે તે મોકૂફ રાખવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સિઝનની શરૂઆત પણ યુએઈમાં 19 સપ્ટેમ્બરમાં થઈ હતી.જોકે, તેની સત્તાવાર જાહેરાત 29 મેના રોજ બીસીસીઆઈની સ્પેશિયલ જનરલ મીટિંગ બાદ જ થઈ શકે છે. આ મીટિંગ બાદ કઈ મેચ ક્યાં અને કઈ તારીખે રમાશે તે અંગે જાહેરાત થઈ શકે છે.ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે યુ.કે.ના નોટિંગહામમાં 4 ઓગસ્ટથી 5 ટેસ્ટ મેચની સિરીઝ શરૂ થશે. બીજી ટેસ્ટ 12 ઓગસ્ટના રોજ લોર્ડ્સમાં અને ત્રીજી ટેસ્ટ મેચ 25 ઓગસ્ટના રોજ લીડ્સમાં યોજાશે. બીજી તતા ત્રીજી ટેસ્ટ વચ્ચે 9 દિવસનો ગેપ છે. જો આ ગેપ ઓછો કરી 4 દિવસ સુધી લઈ જવામાં આવે છે તો બોર્ડની આઈપીએલની મેચ કરવા માટે વધારે દિવસ મળી શકે છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડથી બીસીસીઆઈની આ અંગે ચર્ચા પણ ચાલી રહી છે.
ચોથી ટેસ્ટ લંડનના ઓવલ મેદાન પર 2 સપ્ટેમ્બરથી અને 5મી તથા અંતિમ ટેસ્ટ માંચેસ્ટરમાં 10 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી રમાશે. ત્યારબાદ ભારતીય ખેલાડી યુએઈ પહોંચી શકે છે. બીજી અને ત્રીજી ટેસ્ટ વચ્ચેનો શિડ્યુઅલ એડજસ્ટ નહીં કરવાની સ્થિતિમાં પણ ટૂર્નામેન્ટની તારીખમાં કોઈ ફર્ક નહીં પડે.
આ એટલા માટે કારણ કે ઈંગ્લેન્ડ યુએઈની રેડ લિસ્ટમાં નથી. ખેલાડીઓને વધુમાં વધુ 3 દિવસ સુધી સંપૂર્ણપણે ક્વોરેન્ટીનના નિયમોનું પાલન કરવાનું રહેશે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશના ખેલાડીઓ પણ સરળતાથી યુએઈ આવી શકે છે.
જો આઈપીએલની બાકીની મેચ યુએઈમાં યોજાશે તો અહીં ત્રીજી વખત તે યોજાશે, જ્યારે આરબ વિશ્વમાં સૌથી મોટી ક્રિકેટ લીગની યજમાની થશે. આ અગાઉ 2014માં ભારતમાં લોકસભા ચૂંટણી સમયે લીગની પહેલી 20 મેચ ત્યાં યોજાઈ હતી. જ્યારે કોરોનાને લીધે વર્ષ 2020ની સિઝન યુએઈમાં યોજાઈ હતી.
બીજી બાજુ આઈપીએલ 2021ની મિડ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ઋદ્ધિમાન સાહા, દિલ્હી કેપિટલ્સના અમિત મિશ્રા, કેકેઆર ના સંદીપ વોરિયર તથા વરુણ ચક્રવર્તી, ચેન્નઈના બોલિંગ કોચ એલ બાલાજી તથા બેટિંગ કોચ માઈકલ હસી કોરોના સંક્રમિત થઈ ગયા હતા. ત્યારબાદ બીસીસીઆઈ અને આઈપીએલ પ્રશાસન પાસે લીગ અધવચ્ચે અટકાવવા સિવાય કોઈ જ વિકલ્પ રહ્યો ન હતો.
બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 15 દિવસ અગાઉ ટેલિગ્રાફને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટૂર્નામેન્ટને લઈ ઉતાવળ નહીં કરવામાં આવે. ધીમે ધીમે આ અંગે નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે જો આઈપીએલ આ વર્ષે નહીં યોજાય તો બીસીસીઆઈને તેનાથી રૂપિયા 2500 કરોડ રૂપિયા સુધી નુકસાન થઈ શકે છે.