ભાજપે માત્ર ૧૧ અને કોંગ્રેસે ૧૦ મહિલા ઉમેદવારોને જ ટિકિટ ફાળવતા વિધાનસભામાં મહિલાઓની તાકાત ગત ટર્મ કરતા ઘટવાની શકયતા
વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં ગત ચૂંટણી કરતા ૩૩ ટકાનો ધરખમ કડાકો જોવા મળ્યો છે. પરિણામે આગામી વિધાનસભામાં મહિલાઓનું પ્રદાન ૧૦ ટકાથી પણ ઓછુ રહે તેવી ધારણા છે. ભાજપ અને કોંગ્રેસ વર્ષ ૨૦૧૨માં ૩૧ મહિલાઓને મેદવાર બનાવી હતી જે ચાલુ વર્ષે ઘટીને ૨૧ જ રહી છે.
વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૯ મહિલાઓને ટિકિટ ફાળવી હતી. જયારે આ વર્ષે માત્ર ૧૧ મહિલાઓને જ ટિકિટ આપી છે. આ પ્રમાણ એકંદરે ૪૨ ટકા ઘટયું છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભાજપના મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં મહિલાઓને ૫૦ ટકા રિઝર્વેશન આપવાની જાહેરાત કરી હતી. જો કે, વિધાનસભા ચૂંટણીમાં મહિલાઓને આગળ કરવામાં ભાજપ જ નિરશ જણાય રહ્યો છે.
હાલ સ્થાનિક ચૂંટણીમાં મહિલાઓને આરક્ષણ આપી રાજકીય ક્ષેત્રે શક્તિશાળી બનાવવાનું લક્ષ્ય આનંદીબેન પટેલનું હતું. જો કે, આ જ આરક્ષણ પ્રથાના કારણે મહિલાઓની તાકાત ઘટી શકે તેવી શકયતા છે. અત્યાર સુધી ઈતિહાસમાં કોઈ પણ સમાજ કે વ્યક્તિનું માત્ર આરક્ષણના કારણે જ વિકાસ થયો હોય તેવું નોંધાયું નથી. માટે રાજકારણમાં મહિલાઓને આરક્ષણની જ‚ર ન હોવાની દલીલ પણ થાય છે.
વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસે ૧૨ મહિલાઓને ઉમેદવાર બનાવી હતી. જયારે આ વર્ષે માત્ર ૧૦ મહિલાઓને જ ટિકિટ આપી છે. આ વર્ષે ૧૭ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષ વધુને વધુ મહિલા ઉમેદવારોને જવાબદારી સોંપશે તેવું વચન આપ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ જીતી શકે તેવા જ ઉમેદવારોને ટિકિટ આપવાની વાત આગળ ધરી મહિલા ઉમેદવારોને પ્રાધાન્ય આપી રહ્યાં નથી તેવી દલીલો પણ થઈ રહી છે.
ચાલુ વર્ષે ભાજપે ૧૧ અને કોંગ્રેસે ૧૦ મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવતા વિધાનસભામાં મહિલાઓનું પ્રદાન ગત વર્ષ કરતા અનેકગણુ ઘટી જશે. બન્ને પક્ષોના કુલ ૨૧ ઉમેદવારોમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ વિધાનસભામાં જશે. માટે જેટલા વધુ મહિલા ઉમેદવારો ચૂંટાશે તેટલી વધુ મહિલા તાકાત વિધાનસભામાં વધશે. એટલે એવું કહી શકાય કે, મહિલાઓની તાકાત વિધાનસભામાં ગત વર્ષ કરતા ઘટશે.