- ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડર પર સવાર ‘ચેસ્ટે’ પ્રોબ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા ઉપરથી નિષ્ણાંતોનું તારણ
- ચંદ્રયાન-3 મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટાથી જાણવા મળ્યું છે કે ચંદ્રના ધ્રુવોની નજીક ચંદ્રની સપાટી નીચે અનેક સ્થળોએ બરફ અસ્તિત્વમાં હોઈ શકે છે. આ ડેટા ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડર પર સવાર ’ચેસ્ટે’ પ્રોબ દ્વારા એકત્રિત કરવામાં આવ્યો હતો.
ચંદ્રના ધ્રુવોની નજીક ચંદ્રની સપાટી નીચે અગાઉના વિચાર કરતાં વધુ સ્થળોએ બરફ અસ્તિત્વમાં હોઈ શકે છે. આ નિષ્કર્ષ કોમ્યુનિકેશન્સ અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાંથી બહાર આવ્યો છે.અમદાવાદ સ્થિત ભૌતિક સંશોધન પ્રયોગશાળાના અભ્યાસના મુખ્ય લેખક અને ફેકલ્ટી દુર્ગા પ્રસાદ કરનમે જણાવ્યું હતું કે સપાટીના તાપમાનમાં મોટા અને સ્થાનિક ફેરફારો બરફની રચના પર સીધી અસર કરી શકે છે. બરફના કણોનો અભ્યાસ કરવાથી તેમના મૂળ અને ઇતિહાસ વિશે નવી માહિતી મળી શકે છે. આ માહિતી એ પણ જાહેર કરશે કે સમય જતાં ચંદ્રની સપાટી પર બરફ કેવી રીતે એકઠો થયો અને કેવી રીતે આગળ વધ્યો, જે ચંદ્રની શરૂઆતની ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓને સમજવામાં મદદ કરી શકે છે.
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) દ્વારા બેંગલુરુથી શરૂ કરાયેલ ચંદ્રયાન-3 મિશન, 23 ઓગસ્ટ, 2023 ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કર્યું. ત્રણ દિવસ પછી 26 ઓગસ્ટના રોજ આ ઉતરાણ સ્થળને ’શિવ શક્તિ પોઇન્ટ’ નામ આપવામાં આવ્યું.આ અભ્યાસ માટે, સંશોધકોએ ચંદ્રની સપાટીથી 10 સેન્ટિમીટર નીચે તાપમાન માપવાના ડેટાનું વિશ્લેષણ કર્યું. આ માપ ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં સવાર ’ચેસ્ટે’ પ્રોબ દ્વારા લેવામાં આવ્યા હતા. લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ ક્ષેત્રની ધાર પર લગભગ 69 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ પર ઉતર્યું. ઉતરાણ સ્થળનો ઢોળાવ ’સૂર્ય તરફ નમેલો’ હતો, જ્યાં દિવસ દરમિયાન તાપમાન લગભગ 82 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતું હતું અને રાત્રે -170 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું.વધુમાં, ઉતરાણ બિંદુથી માત્ર એક મીટર દૂર સપાટ સપાટી પર તાપમાન લગભગ 60 સેલ્શિયસ સુધી પહોંચી ગયું. “આ નરમ ઢાળને કારણે ચેસ્ટી પ્રોબના પ્રવેશ બિંદુ પર સૌર કિરણોત્સર્ગ વધુ જોવા મળ્યો” કરનમે કહ્યું.
ટીમે એક મોડેલ વિકસાવ્યું જે દર્શાવે છે કે ઢાળ કોણ ચંદ્રના ઉચ્ચ અક્ષાંશો પર સપાટીના તાપમાનને કેવી રીતે અસર કરે છે. આ મોડેલમાં દર્શાવવામાં આવ્યું હતું કે જો ઢાળ સૂર્યથી દૂર અને ચંદ્રની સૌથી નજીકના ધ્રુવ તરફ હોય તો 14 ડિગ્રીથી વધુના ખૂણાવાળા ઢોળાવ પર સપાટીની નજીક બરફ એકઠો થઈ શકે છે. આ મોડેલ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જ્યાં નાસાના ’આર્ટેમિસ’ મિશનનું ઉતરાણ કરવાનો પ્રસ્તાવ છે તે સ્થળની ઢાળની સ્થિતિ સાથે મેળ ખાય છે.
આખરે, સંશોધકોએ સૂચવ્યું કે હવે ચંદ્ર પર અગાઉ વિચાર્યા કરતાં ઘણી વધુ જગ્યાએ બરફ બનવો અને સરળતાથી મેળવી શકાય છે. ચંદ્ર પર બરફના પાણીમાં રૂપાંતર અંગેના પ્રશ્નના જવાબમાં કરનમે કહ્યું, ’ચંદ્રની સપાટી પર પાણી પ્રવાહી સ્વરૂપમાં રહી શકતું નથી કારણ કે અહીં ખૂબ જ ઊંચું શૂન્યાવકાશ છે.’ તેથી બરફ પ્રવાહીમાં ફેરવાઈ શકતો નથી, પરંતુ તે સીધો વરાળ સ્વરૂપમાં પરિવર્તિત થશે. તેમણે એમ પણ કહ્યું, ’હાલની સમજ મુજબ, ભૂતકાળમાં ચંદ્ર પર રહેવા યોગ્ય પરિસ્થિતિઓ ન હોઈ શકે.’