પ્રીમોન્સુન એક્ટિવિટી અંતર્ગત આજે અમરેલી જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના
અરબી સમુદ્રમાં મોન્સુન કરન્ટ
અસહ્ય બફારો, આકાશમાં વાદળો બંધાયા
કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. કેરળમાં નૈઋત્યનું ચોમાસુ બેસી ગયું છે અને જે હાલ દેશના અલગ અલગ રાજયમાં ખુબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે. આજે સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અસહ્ય બફારાનો અનુભવ થઇ રહ્યો છે. દરમિયાન આગામી ૧૦ થી ૧ર જુન વચ્ચે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સારા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર અરબી સમુદ્રમાં મોન્સુન કરન્ટ પકડાયા છે જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કેરળમાં નેઋત્વનું ચોમાસું બેસી ગયું છે અને હાલ ખુબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે. સંભવત આજે સાંજ સુધીમાં અથવા આવતીકાલે સવારે મહારાષ્ટ્ર અને મુંબઇમાં ચોમાસુ બેસી જશે સામાન્ય રીતે મુંબઇમાં ચોમાસુ ખેચ્યા બાદ પાંચથી છ દિવસમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે હાલ અરબી સમુદ્રમાં જે રિતનો મોન્સુર કરન્ટ પકડાયો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી ૧૦ થી ૧ર જુન સુધીમાં સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજયમાં વાવણી લાયક અને સારો વરસાદ પડી જશે. બની શકે કે રાજયમાં પ્રથમ વરસાદ ન લોકોની અપેક્ષા કરતા વધુ વરસી જાય આજે રાજકોટમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો રાજકોટનું લધુતમ તાપમાન આજે ૨૮.૩ ડીગ્રી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા પવનની સરેરાશ ઝડપ ૨૦ કી.મી. પ્રતિ કલાક જયારે સવારે ૮.૩૦ કલાકે શહેરનું તાપમાન ૩૧ ડીગ્રી સેલ્સીયશ રહ્વા પામ્યું હતું.
પ્રિમોન્સુન એકિટવિટીની અસર તળે આજે દક્ષિણ સૌરાષ્ટ્ર એટલે કે અમરેલી જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શકયતા રહેલી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં પણ આજે સારો વરસાદ વરસી શકે છે. વાતાવરણમાં પલટો આવતા તથા ભેજનું પ્રમાણ વધતા આજે સવારથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.લોકો પરસેવાથી ન્હાય રહ્યા છે. અને ચાતક નજરે મેઘરાજાની વાટ જોઇ રહ્યા છે.