સરકાર અને પક્ષકારો આજે અંતિમ રજૂઆતો કરશે
સરકારના મહત્ત્વકાંક્ષી ફી નિર્ધારણ કાયદાને પડકારતી રાજ્યભરની શાળાઓની રિટમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ગુરુવારે ચુકાદો આપી શકે તેવી શક્યતા છે. આ કેસ બુધવારે આદેશ માટે રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારે અંતિમ રજૂઆતો લેખિતમાં રજૂ કરવા સમય માંગ્યો હતો. તેથી ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે સમય ફાળવતા કેસની વધુ સુનાવણી ગુરૂવારે રાખી હતી. સરકાર ઉપરાંત પક્ષકારો પણ તેમની રજૂઆતો આજે રજૂ કરશે અને ત્યારબાદ ચીફ જસ્ટિસ તેમનો ફેંસલો સંભળાવી શકે છે.
બેફામ રીતે ફી વસૂલતી શાળો પર અંકુશ મુકવા રાજ્ય સરકારે ફી નિર્ધારણ કાયદો અમલી બનાવ્યો છે. સાથે જ જેતે શાળાએ તેની આવક અને ખર્ચ સહિતની વિગતો અને રજૂઆત ફી નિર્ધારણ સમિતિ સમક્ષ મૂકવાની વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. આ સમિતિના નિર્ણય મુજબ જેતે શાળાની ફી નક્કી કરી શકાય તેવી છૂટ છે.
આ સમગ્ર મામલે શાળાઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને તેઓ બેફામ ફી લેતી નથી તેવી રજૂઆત કરી છે. શાળાઓની દલીલ છે કે, રાજ્ય સરકારને ફી નક્કી કરવાની કોઇ સત્તા નથી. જો કે, રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે,વિદ્યાર્થીઓ અને વાલીઓના ભવિષ્ય અને હિતને લક્ષ્યમાં રાખીને કાયદો બનાવ્યો છે.