જામનગર મહાનગર પાલિકાના નિષ્ક્રીય, નિંભર, દૃષ્ટિ વગરના અણઘડ વહીવટ, ભ્રષ્ટ નીતિ-રીતિ વિગેરે અનેક બાબતોના કારણે આખું તંત્ર કાયમ માટે કોઈને કોઈ મુદ્દે ટિકાપાત્ર બની રહ્યું છે.તેમાં કોરોના સંદર્ભમાં જાહેર કરાયેલ અખબારી યાદીમાં તો જબરો છબરડો વાળીને આ તંત્રએ તેમની બુદ્ધિનું રીતસર દેવાળું ફૂંકી દીધું હોય તેમ જણાય છે.

જામનગર શહેર (જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારની દૃષ્ટિએ) ની વસ્તી અંદાજે સાત લાખની હોય શકે છે. જ્યારે મહાનગરપાલિકાએ ગઈકાલે તા. રપ-૬-ર૦ર૦ ની અખબારી યાદીમાં હાઉસ-ટુ-હાઉસ સર્વેની કામગીરીમાં ગઈકાલ સુધી સ્ક્રીનીંગ થયેલ વસ્તીની સંખ્યા સત્તર લાખ, એકત્રીસ હજાર, સાતસો બેંતાલીસ દર્શાવી છે. આ ઉપરાંત સર્વે થયેલા ઘરની સંખ્યામાં પણ ભારે વિસંગતા હોય તેમ જણાય છે. ઘરની સંખ્યા ચાર લાખ એક હજાર પાંચસો ઓગણપચાસ દર્શાવેલ છે. એક જ દિવસમાં ૧૧૧૬૭ ઘરના સર્વે કરવામાં આવ્યા હોવાનું દર્શાવીને મનપાએ કોરોના સામેની લડાઈમાં મનપા તંત્રએ કરેલી કામગીરી દર્શાવી છે.

ખરેખર તો આ આંકડા જોતા એમ લાગે છે કે, તંત્રએ ખૂબ જ સારી કામગીરી કરી છે. આંકડા દર્શાવવામાં ભારે છબરડો તો થયો જ છે, પણ ઘરે-ઘરે જે સર્વે, સ્ક્રીનીંગની કામગીરી દર્શાવી છે તેમાં જાણકારોના જણાવ્યા પ્રમાણે જે ઘરે મનપાની બબ્બે કર્મચારીની ટીમ ગઈ ત્યાં માત્ર કોઈને તાવ, શરદી છે…? કોઈ બીમાર નથી ને…? તેવા પ્રશ્નો માત્ર એક-બે મિનિટમાં પૂછીને રિપોર્ટ પત્રક ભરી દેવાની કામગીરી થઈ છે. અલબત્ત થર્મલ ગનથી સ્ક્રીનીંગની વાત હોય તો તેવુ કાંઈ થયું નથી તે હકીકત છે.

આ ઉપરાંત સાત લાખ ઉપરાંતની શહેરની વાસ્તવિક વસ્તીમાંથી અત્યાર સુધીમાં મનપા તંત્રએ દર્શાવેલ આંકડા પ્રમાણે માત્ર ૩૬૮૧ સેમ્પલનું જ ચેકીંગ કરાયું છે. આમ સેમ્પલના ટેસ્ટીંગનું પ્રમાણ ખૂબ જ ઓછું જણાય છે.

ખેર… આ તો આપણી મહાનગરપાલિકા છે… જો મહા ગોટાળા ન કરે તો જ નવાઈ… બાકી આવી યાદી પ્રસિદ્ધ કરાતાં પહેલાં સંબંધિત અધિકારીની જવાબદારી પ્રત્યે પણ શંકા જાગે છે. જા બિલાડી મોભામોભની જેમ કામગીરી થઈ રહી છે અને ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓનો પણ તંત્ર ઉપર કોઈ કાબુ હોય તેમ જણાતું નથી…!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.