આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે. આ મુદ્દા પર તેમના પત્ની વર્ષાબેન વસાવાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, વન વિભાગના 40-50 કર્મચારીઓએ એક ખેડૂતનો પાક અડધી રાત્રે કાપી નાખ્યો હતો. આ મુદ્દા પર ખેડૂતોએ ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂઆત કરી. ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓ સાથે આ બાબત પર ચર્ચા કરી અને રાતના સમયે બંને લોકો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તેના ત્રણ દિવસ પછી રાતના સમયે ડીવાયએસપી સરવૈયા અને 40 થી 45 પોલીસ કર્મચારીઓ અમારા ઘરે આવે છે કોઈપણ પ્રકારની પરમિશન વિના અમારા ઘરમાં ઘૂસીને ઘરની તપાસ કરે છે અને આખી રાત અમને હેરાન કરે છે.
ચૈતરભાઈના પત્ની શકુંતલાબેનનો કોઈ જ વાંક નથી છતાં તેઓ જેલમાં છે: વર્ષાબેન વસાવા
સવારે 05:30 વાગ્યે ફરીથી પોલીસ આવે છે અને ચૈતરભાઈના પત્ની શકુંતલાબેનને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તેમને જેલમાં મોકલવામાં આવે છે. હકીકતમાં તેમનો આ સમગ્ર કિસ્સામાં કોઈ જ વાંક નથી. ત્યારબાદ અમે જોયું કે એફઆઇઆર માં પણ ધારાસભ્ય વિરુદ્ધ ખોટી રીતે ગુના દાખલ કરીને તેમને પણ ફસાવવામાં આવ્યા. એફઆઇઆર માં ફાયરિંગ થઈ એવી વાત લખવામાં આવી છે પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી. આ સમગ્ર ભાજપનું ષડયંત્ર છે.
ધારાસભ્ય છેલ્લા 10 મહિનાથી સતત જનતાની સેવામાં લાગ્યા છે અને જનતાની સમસ્યાઓનું નિવારણ લાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. અને એના કારણે તેમની લોકપ્રિયતામાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. પરંતુ સરકાર આ જોઈ નથી શકતી, માટે તેમને ફસાવવામાં આવ્યા છે. ભાજપે તેમને ભાજપમાં લઈ જવા માટે આ ષડયંત્ર રચ્યું છે. આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતરભાઈ વસાવા ભરૂચથી ચૂંટણી લડે તો જીતી શકે એમ છે માટે ભાજપ તેમનાથી ડરી ગઈ છે. અને તેમને ખોટા કેસોમાં ફસાવી રહી છે.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પત્રકારો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર એસસી એસટી અને ઓબીસી વિરુદ્ધની માનસિકતા ધરાવે છે, એના ઘણા ઉદાહરણો આપણને જોવા મળતા હોય છે. જો કોઈ વ્યક્તિ પોતાના સમાજ માટે અવાજ ઉઠાવે તો ભાજપ સરકાર તેને દબાવવાની કોશિશ કરે છે. જેનું એક તાજું ઉદાહરણ છે કે, આમ આદમી પાર્ટીના જ લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા પહેલી વખત ધારાસભ્ય બન્યા છે અને ખુબ જ સારી કામગીરી કરી રહ્યા છે. માટે ભાજપ સરકાર તેમને દબાવવાની કોશિશ કરી રહી છે. ભાજપ સરકારે તેમના અને તેમના પત્ની વિરુદ્ધ ખોટા કેસો કર્યા છે અને તેમના પત્નીને જેલમાં મોકલ્યા છે. ભાજપ સરકાર કોઈ ધારાસભ્યને નહીં પરંતુ રાજ્યના યુવાનોના અવાજને દબાવવાની કોશિશ કરી રહી છે. જે ખેડૂતોએ ફરિયાદ નોંધાવી હતી તેમને કોઈ એફઆઈઆર વગર ઢોર માર મારવામાં આવ્યો છે.