કોરોના સામે બચવા નિયમોનું કડક પાલન અને રસીકરણ એકમાત્ર ઉપાય મનાવી રહ્યો છે. વૈશ્વિક મહામારી માંથી ઉગરવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરોશોરમાં શરૂ થઈ ગઈ છે. એમાં પણ હાલની બીજી લહેરને નાબુદ કરવા ભારતમાં રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું છે. રસીની જરૂરિયાત, ઉત્પાદન અને આડઅસર તો કિંમતને લઇને રસીની “રસ્સાખેંચ” જામી હતી પરંતુ હવે રસીકરણ પર રાજકારણ શરૂ થયું છે. રસિ ઉપરનું આ રાજકારણ વિશ્વને એક લાખ કરોડ રૂપિયાથી પણ વધુમાં પડશે. જી હા, અમેરિકાની IQVIA કંપનીએ એક અહેવાલ પ્રસારીત કર્યો છે જેમાં જણાવાયુ છે કે વર્ષ 2025 સુધીમાં કોરોનાની રસી પાછળ વિશ્વ 1.13 લાખ કરોડ રૂપિયા વાપરી નાખશે અને કોરોના હોય કે ન હોય…. પરંતુ આ વાઇરસ સામે દર બે વર્ષે બુસ્ટર ડોઝ લેવા પડશે. કદાચ એવું બને કે 2025 સુધીમાં કોરોના વાયરસનો સંપૂર્ણપણે ખાત્મો જ થઈ જાય પરંતુ છતાં રસીના ડોઝ તો લેવા જ પડશે.
IQVIA, કે જે હેલ્થકેર ડેટા અને એનાલિટિક્સ પ્રદાન કરે છે, તેણે જણાવ્યું કે વર્ષ 2022ના અંત સુધીમાં વિશ્વની વસ્તીના 70% જેટલા લોકોને કોવિડ-19 રસીકરણ અંતર્ગત ડોઝ મળી જશે. રસીની અસરકારકતા અને વર્તમાન પરિસ્થિતિને જોતા લાગે છે કે રસીના ડોઝ દર બે વર્ષે આપવા પડશે. યુનાઇટેડ સ્ટેટ્સમાં હાલની પરિસ્થિતિએ એવી સંભાવના છે કે લોકોએ કોવિડ -19 સામે પ્રથમ સંપૂર્ણ રસીકરણ મેળવ્યા પછી 9 થી 12 મહિનાની વચ્ચે બુસ્ટર શોટની જરૂર પડશે. અહેવાલમાં જણાવાયું છે કે કોવિડ -19 રસીના ખર્ચને બાદ કરતાં, 2020 થી 2025 સુધીના છ વર્ષમાં એકંદરે દવા ખર્ચ 68 અબજ ડોલર ઓછો રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.