પરીક્ષાઓની તારીખના મુદ્દે છાત્ર સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનોની તૈયારી કરાતા શિક્ષણ જગત મુંઝવણમાં

કોરોના મહામારી વચ્ચે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી કે કેમ તેવો સો મણનો સવાલ શિક્ષણ જગત સામે આવી ઉભો રહ્યો છે. આવા સમયે વિદ્યાર્થીઓને ચડાઉ પાસ કરવાની માંગ સાથે રાજકારણ શરૂ થયું છે. સામાન્ય રીતે યુનિવર્સિટીઓ ૨૫ જૂનની આસપાસ પરીક્ષા લેવા માટે તૈયારી કરી રહી હતી. પરંતુ કેટલાક એનએસયુઆઈ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી થતાં આ મુદ્દો અવઢવમાં મુકાયો છે.

સુત્રોના જણાવ્યા મુજબ અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ફાઈનલ એકઝામની સાથે બીજા અને ચોથા સેમેસ્ટરના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી તા.૨૫ જૂનથી લેવામાં આવનાર હતી. આ પરીક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિતના નિયમોનું પાલન કરવામાં આવનાર હતું. આવા સમયે વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર ચડાઉ પાસ કરવામાં આવે તેવી માંગણી ઉઠી હતી. કેટલાક છાત્રોના વાલીઓ તેમજ છાત્રોએ સોશિયલ મીડિયા થકી કોલેજ એકઝામમાં સુરક્ષા બાબતે ચિંતા વ્યકત કરી હતી.

ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી એન્ડ કોલેજ ટીચર્સ ઓર્ગેનાઈઝેશનના સભ્યોએ પરીક્ષા લેવાની તારીખોમાં સરકારે કરેલી જાહેરાત અંગે ફેર-વિચાર કરવાની માંગ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી ૨૫ જૂનથી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો તખતો ઘડવામાં આવ્યો હતો. દરમિયાન પરીક્ષામાં છાત્રોની સુરક્ષા મુદ્દે કેટલાક સ્તરેથી વિરોધ વંટોળ ઉભો થતાં આગામી સમયમાં તારીખમાં ફેરફાર થઈ શકે છે. અથવા તો છાત્રોને મેરીટ મુજબ ચડાઉ પાસ પણ કરાવવામાં આવી શકે છે.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ હોસ્ટેલની સુવિધા પણ શરૂ કરવામાં તંત્ર મુંઝવણ અનુભવી રહ્યું છે. હોસ્ટેલ સુવિધા ફરીથી શરૂ કરવામાં સૌથી મોટો મુદ્દો કોવિડ કેર ફેસેલીટીનો છે.

સમરસ હોસ્ટેલને આવી ફેસેલીટી માટે અલાયદી રાખવામાં આવી છે ત્યારે જો પરીક્ષા શરૂ થાય તો સમરસ હોસ્ટેલમાં રહેતા છાત્રો કેવી રીતે નિભાવ કરી શકે તે અંગે દલીલો થઈ રહી છે. યુનિવર્સિટી ગ્રાન્ડ કમીશન દ્વારા દેશની તમામ યુનિવર્સિટીઓને વિદ્યાર્થીઓની પરીક્ષા અને શૈક્ષણિક કાર્યને લગતી વ્યવસ્થા મુદ્દે કેટલાક આદેશ આપવામાં આવ્યા હતા. જે રાજ્યોમાં કોરોનાની સ્થિતિ સામાન્ય બનવા જઈ રહી છે ત્યાં નજીકના ભવિષ્યમાં છાત્રોની પરીક્ષાઓ લેવાશે. આમ તો યુજીસીના મત મુજબ જુલાઈ મહિનામાં વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ કરવી જોઈએ પરંતુ કેટલીક યુનિવર્સિટીઓ જૂન મહિનાના અંતમાં કેમ પરીક્ષા લેવા તલપાપડ થઈ છે તેવો વેધક પ્રશ્ર્ન પણ વિરોધ કરનારાઓ દ્વારા પુછાયો હતો.

કોરોનાની મહામારીને પગલે શાળાઓનું શિક્ષણ મોડેલ બદલાવવા જઈ રહ્યું છે. યુનિવર્સિટીઓમાં પણ પરીક્ષાઓની તારીખો મુદ્દે વિરોધ છે. પરીક્ષા લીધા વગર જ છાત્રોને પાસ કરી દેવામાં આવે તેવી માગણી છાત્ર સંગઠનો દ્વારા કરવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલી પરીક્ષાની તારીખ મુદ્દે થયેલા વિરોધ બાદ વિદ્યાર્થીઓને ચડાઉ પાસ કરવામાં આવશે કે કેમ તે મોટો પ્રશ્ર્ન ઉભો થયો છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ આગામી ૨૫મી જૂનથી પરીક્ષા લેવાની જાહેરાત તો કરી છે પરંતુ ટાઈમ ટેબલની જાહેરાત કરી નથી. એકંદરે યુનિવર્સિટી પણ પરીક્ષા લેવામાં અવઢવમાં હોવાનું ફલીત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.