વિરોધપક્ષો એક થવાની કવાયતનું નાટક ચાલી રહ્યું છે. ત્યારે ‘જા બિલ્લી કૂત્તે કુમાર’જેમ ચંદ્રાબાબુને પાનો ચડાવવાની રમત હજી યે એના અંતિમ ચરણ સુધી પહોંચી નથી. ગૃહમાં સંખ્યાબળ જયારે સર્વોપરી હોય ત્યારે ‘અવિશ્ર્વાસની દરખાસ્ત’નો બોમ્બ સુરસૂરિયું જ થઇ જવાનો છે એની સો ટકા ખાત્રી રાજકારણમાં રસ લેતા સામાન્ય નાગરીકને પણ હોય જ ભાજપ સાથે તેલંગણાના મુદ્દે છેડો ફાડવાનું જોખમ લેનાર રીઢા રાજકારણી ચંદ્રાબાબુ આ વાત ન સમજતા હોય એવું તો બને જ નહિ…

આમેય પોતપોતાના સ્વાર્થ અને મહેચ્છાને જ મહત્વ આપતા રાજકીય પક્ષો અને પક્ષના ખેરખાંઓને એક તાંતણે બાંધવા એ ત્રાજવામાં દેડકાંને તોલવા બરાબર છે. ત્રાજવામાં બે ને ગોઠવો ત્યાં ત્રણ કૂદીને બહાર નીકળી જાય. છતાંય વર્તમાન સરકાર સામે અવિશ્ર્વાસની દરખાસ્ત લાવવાનો હવામાં ગોળીબાર કર્યુ નિશાન વિંધશે એ તો સમય જ જાણે

આમેય લોકશાહીમાં મતની ગણતરી અને માકેટના રાજકારણમા સો ટકા વિશ્ર્વાસનું પરિણામ તો કયારેય ન જ દેખાય. વહેંચાતા મતોમાં સ્પષ્ટ બહુમતી કે પછી તડજોડની રાજનીતિથી સરકારનું ગાડું ગબડે રાખે. વર્તમાન સરકારની સંખ્યાબળની દ્રષ્ટિએ જંગી બહુમતિ હોય ત્યારે સ્વાર્થના ચહેરા પર એકતાનું મહા‚ં પહેરી એકબીજાને ભેટવાની રમતને સામેવાળાની છાતીના ધબકારા ગણી લેવાની મમત સાથે હોળીનું નારિયેળ શોધી લેવાની ચાલાકીમાં આ વખતે ચંદ્રાબાબુ સપડાયા છે. અવિશ્ર્વાસની દરખાસ્ત આવે ત્યારે આવે… પરિણામ સહુ જાણે છે.

આ અવિશ્ર્વાસની દરખાસ્ત પણ સમજવા જેવો શબ્દ છે. અલબત અસર પરસ જયાં વિશ્ર્વાસનું વાતાવરણ જ ન હોય ત્યાં અવિશ્ર્વાસની દરખાસ્ત ભલે હાસ્યાસ્પદ લાગે પણ સ્વાર્થના સમરાંગણમાં રાજકારણીઓ માટે આ શસ્ત્ર આ અગાઉ પણ વપરાયું છે ને મોટાભાગે બુઠ્ઠુ નહિ ધારહાર સાબિત થયું છે.

દેશ આઝાદ થયો અને કોંગ્રેસની સરકારની રચના થઇ ત્યારે શ‚આતના તબકકામાં તો વિપક્ષો માટે ‘તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ’નો જ ઘાટ હતો. પણ બદલાતા સમયના વહેણમાં એકબીજાથી આવા ભાગી અલગ ચોકા રચાતા ગયા અને તડજોડની નીતીમાં ના છુટકે વિપક્ષમાં  બેસવાનો વારો આવે ત્યારે અવિશ્ર્વાસની દરખાસ્ત ની તલવારને ધાર કાઢતા રહી સમય આવે ઘા કર લેવાની મુરાદ ગૃહના પગથિયા ચડતી વખતે જ રાજકારણીઓના મનમાં ધોળાતી રહે છે.

અત્યાર પર્યત આઠ માંથી પાંચ વાર આ જ શસ્ત્રના જોરે સરકાર ઉથલી છે. ટાંટીયા ખેંચવા વાળા ટેકા આપે ત્યાં બીજું થાય પણ શું ? મહાત્વાકાંક્ષી અને કૈંક અંશે જડતા સાથે સિઘ્ધાંતને વળગી રહેતા મોરારજી દેસાઇ જનતા મોરચાના જોરે સત્તા પર આવ્યા ત્યારે ચૌધરી ચરણસિંહ નામના પ્યાદાને આઠમા ઘરમાં પહોચાડી વઝીર નહિ રાજા બનાવવાની શતરંજમાં અવિશ્ર્વાસની દરખાસ્ત કામ કરી ગઇ, એ પછી ચંદ્રશેખરનો વારો આવ્યો. માત્ર ૧૩ મતથી ગૃહમાં હારેલા સિઘ્ધાંતવાદી ભાજપી નેતા અટલ બિહારી બાજપાઇ એ પણ બહુ ટુંકાગાળામાં સત્તા છોડવી પડી. કોંગીના સહાનુભુતિના મોજામાં રાજીવ ગાંધીની સત્તાને ઉથલાવવા વી.પી.સિંહને આગળ કરાયા…. જો કે એ દરેક વખતે સત્તાનશીન સરકારનું સંખ્યાબળ ઓવરઓલ ઓછું હતું. અત્યારે ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવે છે. ૨૦૧૯ ની વિધાનસભાની ચૂંટણી માટે બધા જ પક્ષો પોત પોતાની ગણત્રી માંડી રહ્યા છે. ડિનર ડિપ્લોમસીનો દરો ચાલ્યો છે. છૂટક પૂરક પોતાનું કરી ખાતા બધા જ પક્ષોની નજર  મોટા લાડવા ઉપર છે. એનસીપીના શરદ પવાર પોતાની ડિનર ડિપ્લોમસીની વેતરણમાં છે. અત્યારે ભાજપ સામે ઉભું થઇ રહેલું એન્ટી ઇન્કમબન્સીનું વાતાવરણ અને નબળી નેતાગીરી સાથે એક પછી એક જગ્યાએ થી પકકડ ગુમાવતી કોંગ્રેસ બેય પાસે સત્તા હાંસલ કરવા સામે જાગેલા પ્રશ્ર્નાર્થનો લાભ ખાટી લેવા મમતા બેનરજી, શરદ પવારની સાથે સાથે ચંદ્રાબાબુ પણ કાગડાના મોઢામાં રહેલી પૂરી નીચે પડવાની રાહ જોતા કતારમાં ઉભા છે. જો કે માયાવતી અને અખિલેશ યાદવ પણ પોત પોતાના સોગઠાં ગોઠવે જ છે.

ગુજરાતમાં પાટીદાર અને દલિતોના વિરોધના જુવાળમાં કૈં સારો દેખાવ કરી ગયેલી કોંગ્રેસ વિધાનસભામાં અઘ્યક્ષની સામે અવિશ્ર્વાસની દરખાસ્ત માટે મીટીંગ કરી રહ્યા છે.

ટૂંકમાં…. કવોલીટીનું રાજકારણ, દેશહિત પ્રજાહિતમાં સરકારનો વિરોધ… આ બધું સિઘ્ધાંતોમાં જ રહ્યું છે. સ્વાર્થના રંગે રંગાયેલા રાજકારણીઓ અત્યારે કવોન્ટીટીનું રાજકારણ રમી રહ્યા છે. વિકાસની વાતો દશા અને દિશાના ખયાલી પુલાવ અને પ્રજાને યેન કેન પ્રકારેણ ભરમાવ્યે રાખવાની ચાણકયની ચાલ ચાલતા આપણા નેતાઓના હાથમાં દેશનું સુકાન છે…. જે થાય એ જોયા કરો !!

લેખક:- યુગ મહેતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.