ખેડૂત આંદોલન સમેટાય તે પહેલાં રાજકારણ ગરમાયુ!!!

કેપ્ટન ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે મધ્યસ્થી લાવવાના મજબૂત દાવેદાર બન્યા કે તુરંત જ પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ પણ આ દિશામાં દોટ લગાવી

અબતક, નવી દિલ્હી : ખેડૂત આંદોલન સમેટાય તે પહેલાં જ રાજકારણ ગરમાયુ છે. એક તરફ ખેડૂતોનું આંદોલન હવે હાંફી ગયું છે. હવે ખેડૂત સંગઠનો પણ આંદોલન ક્યારે પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં સરકાર અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરાવી જે આ આંદોલનને પૂર્ણ કરાવે તે જ પંજાબની વૈતરણી પાર કરાવી દેશે તે નક્કી છે. માટે જ જેવા કે કેપ્ટન ખેડૂત આંદોલનનો સુખદ અંત લાવવા માટેના મજબૂત દાવેદાર બન્યા કે તુરંત જ પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ પણ આ દિશામાં દોટ લગાવી છે.

પંજાબ કોંગ્રેસમાં મચેલું ઘમાસાણ ખતમ થવાનું જાણે નામ જ નથી લેતું. વિવાદ સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને નવજોત સિંઘ સિદ્ધુની વચ્ચે થયેલી 2 કલાકની મુલાકાત બાદ પણ વિવાદ અટક્યો નથી. કોંગ્રેસના પંજાબ પ્રભારી હરીશ રાવતે દહેરાદૂનમાં કહ્યું કે અમરિન્દર સિંઘને વિનમ્રતાથી કહેવા માંગુ છું કે પાર્ટીએ તેમને ખુબ સન્માન આપ્યું છે. આજે જ્યારે દેશની સામે લોકતંત્ર બચાવવાનો સવાલ છે ત્યારે એવા સમયે અમરિન્દર સિંહ પાસેથી એવી આશા કરવામાં આવી રહી હતી કે તેઓ સોનિયા ગાંધી સાથે રહીને લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા કરે.

હરીશ રાવતે કહ્યું કે 2-3 દિવસથી અમરિન્દર સિંઘના જે નિવેદનો આવ્યા છે તેનાથી એવું લાગે છે કે તેઓ કોઈ પ્રકારના દબાણમાં છે. જે પંજાબના ખેડૂતો પંજાબના લોકો પંજાબના વિરોધી માને છે, તેઓ અમરિન્દર સિંઘનો ઉપયોગ કરવા માંગે છે. હું ફરીથી કહેવા માંગુ છું કે અત્યાર સુધીમાં કેપ્ટન અમરિન્દર સિંઘે જે પણ વાતો કરી છે તેના પર ફરી વિચાર કરે અને ભાજપ જેવી ખેડૂત વિરોધી, પંજાબ વિરોધી પાર્ટીને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે મદદ ન પહોંચાડે.

પંજાબના મુખ્યમંત્રી ચન્નીની પીએમ સાથે મુલાકાત, ખેડૂત આંદોલન વિશે કરી ચર્ચા

ખેડૂત આંદોલન સમેટાવવામાં કેપ્ટનની ભૂમિકા મહત્વની રહેવાની હોવાનો અણસાર મળતા જ પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંઘ ચન્નીએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બન્ને વચ્ચેની બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. પીએમ મોદી સાથેની બેઠક બાદ સીએમ ચન્નીએ કહ્યું કે, મેં ખેડૂતો સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં ભારત-પાકિસ્તાન કોરિડોર, જે કોવિડને કારણે બંધ કરાયો હતો, તાત્કાલિક ખોલવાનું કહ્યું છે જેથી શ્રદ્ધાળુઓ ત્યાં જઈ શકે.

પીએમ મોદીને મળ્યા બાદ મુખ્યમંત્રી ચરણજીત સિંઘ ચન્નીએ કહ્યું કે મુખ્યમંત્રી બન્યા બાદ વડાપ્રધાન સાથે સૌજન્ય મુલાકાત થઈ હતી, સારા વાતાવરણમાં વાતચીત થઈ હતી. મેં તેમની સાથે 3 મુદ્દા ચર્ચા કર્યા છે. પ્રથમ, પંજાબમાં પ્રાપ્તિની મોસમ સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે કેન્દ્રએ તેને 10 ઓક્ટોબરથી શરૂ કરવાનું નક્કી કર્યું છે. મેં તેમને વિનંતી કરી છે કે હવે ખરીદી શરૂ કરો.

સીએમ ચન્નીએ વધુમાં કહ્યું કે, મેં તેમને ત્રણ બિલના વિવાદનો અંત લાવવાનું કહ્યું છે, તેમણે કહ્યું કે તેઓ આ માટે પણ ઉકેલ શોધવા માંગે છે. મેં માગણી કરી કે ત્રણ કાયદા પાછા ખેંચવા જોઈએ. આ સિવાય, મેં તેમને કોવિડને કારણે બંધ થયેલ ભારત-પાકિસ્તાન કોરિડોર તાત્કાલિક ખોલવા કહ્યું છે જેથી ભક્તો ત્યાં જઈ શકે.

સુપ્રીમ ખેડૂત આંદોલનથી ખફા, ખેડૂત સંગઠનોની ઝાટકણી પણ કાઢી

દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધમાં જંતર-મંતર પર પ્રદર્શનની માંગણી કરતા ખેડૂત સંગઠનોની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે, તમે આખા દિલ્હી શહેરને પરેશાન કરી દીધું છે. હાઈ-વે જામ કરી દીધો છે.

સંગઠને કહ્યું કે, જંતર-મંતર પર શાંતિપૂર્ણ અને અહિંસક વિરોધ પ્રદર્શન કરવા માટે 200 ખેડૂતોને ભેગા થવાની મંજૂરી આપવામાં આવે. તેના જવાબમાં કોર્ટે કહ્યું કે, આખા શહેરનો શ્વાર રૂંધ્યા પછી હવે તમે શહેરની અંદર જવા માંગો છો? અહીં રહેતા નાગરિકો શું આ વિરોધ-પ્રદર્શનથી ખુશ છે? આ પ્રવૃતિઓ અટકવી જોઈએ.જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતા વાળી બેન્ચે કહ્યું કે, કોઈ કાયદાને કોર્ટમાં પડકાર આપ્યા પછી કોર્ટ પર વિશ્વાસ રાખવો જોઈએ.

તમને વિરોધ-પ્રદર્શનનો અધિકાર છે, પરંતુ નેશનલ હાઈવે બ્લોક કરીને સામાન્ય લોકોને મુશ્કેલીમાં ના મૂકી શકાય. આ મુદ્દે સુપ્રીમકોર્ટે ગુરુવારે પણ કહ્યું હતું કે, પ્રદર્શનકારીઓ રોજ હાઈવે કેવી રીતે બ્લોક કરી શકે? અધિકારીઓની ડ્યૂટી છે કે, તેઓ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી વ્યવસ્થાને લાગુ કરે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને તે વાતની મંજૂરી આપી દીધી છે કે, તેઓ ખેડૂત સંગઠનોને આ મુદ્દે પક્ષકાર બનાવે.કોર્ટે કહ્યું છે કે, જે પણ સમસ્યા છે તેનું સમાધાન જ્યુડિશિયલ ફોરમ અથવા સંસદીય ચર્ચાથી કાઢી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.