ગોંડલમાં બાવાબારી શેરીમાં બિનઅધિકૃત બાંધકામ સામે ‘હમારી માંગે પુરો કરો’ના નારા સાથે 5 યુવાનોએ આજે પાલિકાની કચેરીમાં ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં 1 શખ્સે ફિનાઈલ ગટગટાવી લીધું હતું. જ્યારે બાકીના 4 શખ્સો પાસેથી પોલીસે ફિનાઈલ છીનવી લીધી હતી. હાલ પોલીસે એક શખ્સને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. જ્યારે બાકીના યુવાનોની અટકાયત કરી છે.
ગોંડલની બાવાબારી શેરીમાં 6 માળનું બિનઅધિકૃત બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. જેની સામે અનેક રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી રોષે ભરાયેલા 5 યુવાનોએ ફિનાઈલ પી આપધાતનો પ્રયાસ કર્યો હતો.
આ પહેલા અર્જુન મહેન્દ્રભાઈ ચૌહાણ, નિલેશ મોહનભાઈ મકવાણા, ગજેરા જયદીપ વસંતભાઈ, કિશન પરમાર તેમજ ભાર્ગવ ચૌહાણે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી જાણ પણ કરી હતી કે બાવાબારી શેરીમાં મેમુનાબેન અનવરભાઈ તબાણી સહિતના લોકોએ બિનઅધિકૃત છ માળનું બાંધકામ કર્યુ છે. આમ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા યુવાનોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો