કેકેવી ચોક, અંડર બ્રીજ, ગોંડલ ચોકડી અને માધાપર ચોકડી સહિતના સ્થળે ટ્રાફિકની ડ્રાઇવ: ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકો દંડાયા
શહેરમાં વિકટ બનેલી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે વાહન ચેકીંગ ઝુંબેશને અસરકારક બનાવવા ખુદ ડીસીપી ઝોન-૨ ડ્રાઇવમાં જોડાયા હતા. ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરી ટ્રાફિક નિયમનનું પાલન કરાવ્યું હતું.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી અને ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે સતત પ્રયત્નસીલ બન્યા છે.
આજે સવારથી જ શહેરના ગોંડલ ચોકડી, કે.કે.વી.ચોક, મહિલા કોલેજ અન્ડર બ્રીજ અને માધાપર ચોકડી સહિતના સ્થળોએ વાહન ચેકીંગ કાર્યવાહી કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
રિક્ષા પાછળ ચાલકના મોબાઇલ નંબર, નામ, રિક્ષાના નંબર અને એડ્રેસ સહિતના લખાણ સાથેની પ્લેટ લગાવવાનું ફરજીયાત કરાયું હોવાથી રિક્ષા ચેકીંગ કરાયું હતું. આ ઉપરાંત બાઇક ચાલકોના ડ્રાઇવીંગ લાયન્સ અને હેલ્મેટ જ્યારે ફોર વ્હીલ માટે કાચમાં લગાવેલી બ્લેક ફિલ્મ અને સીટ બેલ્ટ અંગે ચેકીંગ કરી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ટ્રાફિક ચેકીંગ કાર્યવાહીમાં ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા જોડાયા હતા અને વાહન ચેકીંગ કાર્યવાહી વધુ અસરકારક બનાવવામાં આવી હતી.