કાયદો અસરકારક બનાવવા ડ્રગ્સના વેચાણથી ખરીદ કરેલી મિકલત જપ્ત કરવા ગૃહ વિભાગનો હુકમ
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનું વેચાણ અને હેરાફરી વધતા યુવા પેઢી બરબાદ થઇ રહી હોવાથી ‘ઉડતા ગુજરાત’ બનતુ અટકાવવા ડીજીપી દ્વારા રાજયભરની પોલીસને પરિપત્ર જારી કરી ડ્રગ્સ માફિયા પર તૂંટી પડવા આદેશ કયો છે. ડ્રગ્સના કાયદાને અસરકારક બનાવવા ડ્રગ્સના વેચાણથી ખરીદ કરેલી મિલકત જપ્ત કરવા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ હુકમ કરી બીજી એજન્સી દ્વારા ડ્રગ્સ પકડવામાં આવશે તો સ્થાનિક પોલીસ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ ડ્રગ્સની હેરાફેરી અને નાર્કો આંતકવાદને નાથવા માટે રાજયભરની પોલીસને એર્લટ કરી ડ્રગ્સ માફિયાના નેટવર્કને તોડી પાડવા આદેશ આપ્યો છે. ડ્રગ્સનો સામાન્ય કેસ બીજી એજન્સી દ્વારા કરવામાં આવશે તેવા કેસમાં પણ સ્થાનિક પોલીસ સામે શિક્ષાત્મક પગલા લેવાની ચીમકી દઇ પોલીસ સ્ટાફને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા અને મુળ સુધી તપાસ કરવા હુકમ કર્યો છે.
ડ્રગ્સના કાયદાને અસરકારક બનાવવા માટે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ ડ્રગ્સના વેચાણથી ખરીદ કરેલી સંપત્તી કબ્જે કરી ડ્રગ્સ વેચાણથી થતો નફો કયાં મોકલવામાં આવે છે.
તે અંગે ઉંડી તપાસ કરી ડ્રગ્સ વેચાણના નાણા આંતકવાદી પ્રવૃતિને ફંડના સ્વરૂપમાં આપવામાં આવે છે કે કેમ તે અંગે તપાસ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ડ્રગ્સની હેરાફેરી અટકાવવા પોલીસ દ્વારા રેલવે સ્ટેશન અને ટ્રેન કે જાહેર પરિવહન પર ખાસ વોચ ગોઠવવા અને ડ્રગ્સની હેરાફેરી કરતા ખાનગી વાહનનો ઉપયોગ થતો હોય તો વાહન માલિક અંગે તપાસ કરવા સુચન કરવામાં આવ્યું છે. રાજયમાં કેટલીક બંધ પડેલી ફેકટરીઓમાં કેમિકલ્સની મદદથી માદક પદાર્થ બનતા હોવાનું તાજેતરમાં પ્રકાશમાં આવ્યું હોવાથી બંધ ફેકટરીની પોલીસે ગુપ્ત માહિતી એકઠી કરી ખાનગીમાં તપાસ કરવા હુકમ કર્યો છે.