મોટાભાઈ માટે ઓક્સિજન સિલિન્ડર લેવા જવાનું કહેવા છતાં કડકાઇથી દંડ વસુલ્યો
રાજકોટમાં એક તરફ કોરોનાની મહામારી બેકાબુ બની રહી છે તો સામે પોલીસ પણ હવે માણસાઈ ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. એવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલમાં દાખલ મોટા ભાઈ માટે ઓક્સિજન લેવા નીકળેલા યુવાનની કાર રોકી પોલીસે દંડ વસુલ્યો છે. ઉતાવળે ઓક્સિજન લેવા નીકળેલો યુવક પોલીસ પાસે કગરતો રહ્યો પણ પોલીસે દંડની વસૂલી કર્યા બાદ જ યુવાનને જવા દીધો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેકેવી ચોક પાસે ટ્રાફિક પોલીસ દ્વારા એક કારની અટકાયત કરવામાં આવી હતી. કારની નંબર પ્લેટ પર ચૂંદડી બાંધેલી હોવાથી પોલીસે ચાલકને રોકી કાર્યવાહી કરી હતી. કારમાંથી ઉતરેલા ધરમ રાચ્છ નામના યુવાન પાસે દંડ વસૂલવા કાર્યવાહી કરી હતી. આ સમયે યુવાને પોતાના મોટાભાઈ ખાનગી હોસ્પિટલમાં દાખલ હોય જેના માટે ઓક્સિજન સિલિન્ડર લેવા જવાનું પોલીસને જણાવ્યું હતું. તેમ છતાં પણ પોલીસે માણસાઈ નેવે મૂકી દંડ વસુલ્યો હતો. જેના કારણે કાર ચાલક અને ટ્રાફિક પોલીસ વચ્ચે રકઝક થઈ હતી. યુવાન પોલીસ સામે ઓક્સિજન સિલિન્ડર લેવા જવા માટે કગરતો રહ્યો હતો. પરંતુ આખરે યુવાને પોલીસની વેટ સ્વીકારી દંડની ભરપાઈ કરવી પડી હતી. ત્યાર બાદ ધરમ રાચ્છ ઉતાવળે ઓક્સિજન સિલિન્ડર લેવા માટે પકહોચ્યો હતો.