બેંક ફ્રોડથી માંડી સોશિયલ મીડિયા કે ફોન કોલ્સ દ્વારા થતી છેતરપીંડીથી કેવી રીતે બચી શકાય તે અંગેનો સેમિનાર યોજાયો
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા અને મનિષ કૌશિકે સાઈબર ક્રાઈમ સામે જાગૃતિ માટે વિશેષ વકતવ્ય આપ્યું
વધતી ટેકનોલોજી જેટલી ફાયદાકારક છે તેટલી નુકશાનકારક પણ બની શકે છે. તેનું ઉદાહરણ છે આજના યુગમાં સાઈબર ક્રાઈમની બનતી ઘટનાઓ અવાર નવાર ટેકનોલોજીના માધ્યમથી થતા ગુનાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ રૂરલ પોલીસ માટે સાઈબર ક્રાઈમ અંગેનો એવરનેસ સેમીનાર યોજાયો હતો.
રાજકોટના અટલ બિહારી વાજપાયી ઓડીટોરીયમ ખાતે યોજાયેલ સેમિનારમાં રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા સહિતના અધિકારી પોલીસ ર્ક્મીઓ ખાસ હાજર રહ્યા હતા.
સેમીનારમાં સાઈબર ક્રાઈમના એકસપર્ટ મનીષ કૌશિક માર્ગદર્શક તરીકે હાજર રહ્યા હતા. મનીષ કૌશિકે આધુનિક યુગમાં ગુન્હામાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપ્યું હતુ. બેંક ફોડથી માંડીને સોશ્યલ મીડિયા સાઈટસ પર થતા ફોડ સુધીની ચર્ચા કરી હતી.
સાઈબર ગુન્હાઓની તપાસમાં મદદરૂપ થશે
બલરામ મીણા રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ અબતક સાથેની વાતચીતમા જણાવ્યું કે, રાજકોટ રૂરલ પોલીસ તથા હોમ ક્રેડીટ ઈન્ડિયાના સંયુકત ઉપક્રમે આજે રાજકોટ ખાતે એક જાગૃત કાર્યક્રમના ભાગરૂપે સાઈબર ક્રાઈમ અંગેનો સેમીનાર યોજવામાં આવ્યો છે જેમાં પોલીસ સબ ઈન્સ્પેકટરથી માંડીને રૂરલ પોલીસના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેમીનારમાં સાઈબર ક્રાઈમ અંગેની ચર્ચા કરાઈ છે. જે સાઈબર ક્રાઈમ અંગેના ગુન્હાઓની તપાસમાં ખૂબ મદદરૂપ થઈ શકે છે.
તેમણે આ મામલે લોકોમાં જાગૃતતા લાવવા માટે કહ્યું હતુ કે આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ જાહેર જનતા માટે સેમીનારનું આયોજન કરાશે. જેના ભાગ રૂપે લોકોમાં જાગૃતતા આવે.
ગ્રામ્ય વિસ્તારમાં થતી છેતરપીંડી નિવારી શકાશે
સાઈબર એકસપર્ટ મનીષ કૌશિકે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ કાર્યક્રમમાં અમે સાઈબર ક્રાઈમ બેંકીંગ ફોડના ગુન્હાઓની રીત અંગે રૂરલ પોલીસને માહિતગાર કરી રહ્યા છે. તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતુ કે, રાજકોટમાં સોશ્યલ મિડિયા થકી ચીજ વસ્તુઓનાં વેચાણમાં છેતરપીંડી ફોડના કિસ્સા વધુ જોવા મળે છે. આવા કિસ્સામાં કઈ રીતે તપાસ કરી શકાય તે મામલે ચર્ચા કરાઈ છે.
ઉપરાંત તેમણે ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે થતી છેતરપીંડીના કિસ્સાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો. જેમાં ઓછા વ્યાજદરે લોન આપવાની સ્કિમથી માંડીને ખેતરમાં મોબાઈલ ટાવર લગાવવાની લાલચ સુધીના કિસ્સા જોવા મળે છે.