નકલી પોલીસ શખ્સે છોકરી સાથેના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૩૦ હજારની લુંટ ચલાવી

લાલપુરના એક વેપારી ગયા મંગળવારે પોતાના કામસર જામનગર આવ્યા હતા ત્યારે તેઓને હરિયા કોલેજવાળા રોડ પર એક યુવતીએ હાથ બતાવી રોક્યા પછી તેઓને સાઈડમાં બોલાવ્યા હતા. આ વેળાએ જ ધસી આવેલા પચ્ચીસેક વર્ષના એક શખ્સે પોતાની ઓળખ વિજીલન્સના અધિકારી તરીકેની આપી આ વેપારીને રિવોલ્વર બતાવી રૃા.૩૦ હજારની રોકડ લૂંટી લીધી હતી ત્યાર પછી તે યુવતી અને નકલી પોલીસ બાઈક પર પલાયન થઈ ગયા હતા જેની પોલીસમાં ફરિયાદ થતા અસલી પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે.

લાલપુરની વિકાસ કોલોનીમાં મેઈન રોડ પર રહેતા વિવેક રાજેશભાઈ અઘેરા નામના પચ્ચીસ વર્ષના પટેલ યુવક ગયા મંગળવારે પોતાના કામસર મોટરમાં જામનગર આવ્યા હતા જ્યાંથી તેઓ કામ પુર્ણ કર્યા પછી બપોરે સાડા ત્રણેક વાગ્યે સાંઢિયા પુલથી હરિયા કોલેજવાળા રોડ પર પસાર થતા હતા ત્યારે રોડ પર ઉભેલી અંદાજે પચ્ચીસેક વર્ષની વયની એક યુવતીએ હાથ બતાવી વિવેકભાઈને મોટર ઉભી રાખવા વિનંતી કરી હતી.

આવી રીતે યુવતીને ઉભેલી જોઈ વિવેકભાઈએ વાહન ઉભું રાખતા તે યુવતી નજીક આવી હતી ત્યાર પછી તેણીએ વિવેકભાઈને પોતાની વાતોની ઝાળમાં ફસાવી સાઈડમાં આવવા માટે કહેતા તેણીનું કહ્યું માની જ્યારે વિવેકભાઈ એક તરફ ગયા ત્યારે અચાનક જ પચ્ચીસેક વર્ષનો એક શખ્સ પ્રગટ થયો હતો. આ શખ્સે પોતાની ઓળખ વિજીલન્સના અધિકારી તરીકે આપી છોકરી સાથે અહીં શું કરો છો? તેમ કહી વિવેકભાઈને દબડાવવાનું શરૃ કર્યું હતું. જો કે, વિજીલન્સ કે પોલીસ ન હોવા છતાં આ શખ્સે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી, આભા ઉભી કરી વિવેકભાઈને આ છોકરી સાથે જ એક કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દાટી મારતા વિવેકભાઈને પરસેવો વળી ગયો હતો ત્યાર પછી આ શખ્સને વિવેકભાઈએ જવા દેવા માટે વિનંતી કરતા રોફમાં આવી ગયેલા આ શખ્સે પોતાની પાસે રહેલી રિવોલ્વર બહાર કાઢી વિવેકભાઈને બતાવતા તેઓના હાજા ગગડી ગયા હતા.

ઉપરોકત પરિસ્થિતિનો લાભ લઈ નકલી પોલીસ તરીકે ઓળખાણ આપનાર શખ્સે વિવેકભાઈના ખિસ્સામાં રહેલી રૃા.૩૦ હજારની રોકડ લૂંટી લીધી હતી તે પછી જે યુવતીએ વિવેકભાઈને રોકયા હતા તે યુવતી સાથે કહેવાતો પોલીસ શખ્સ મોટરસાયકલ પર રફૂચક્કર થઈ ગયો હતો તે બન્ને વ્યક્તિઓના ગયા પછી ગભરાયેલા વિવેકભાઈએ બે દિવસ પહેલા ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી ઉપરોકત બનાવની ફરિયાદ નોંધાવી છે. આવી રીતે નકલી પોલીસ બની લૂંટ ચલાવાઈ હોવાના બનાવની ડિવિઝનના પીઆઈ યુ.સી. માર્કન્ડેય તથા પીએસઆઈ આઈ.એસ. વસાવા, સ્ટાફના પ્રતિપાલસિંહ વગેરેએ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોકત બન્ને યુવકયુવતી બહુ જલદીથી પોલીસની ગિરફતમાં આવી જશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.