એસીપી બસીયા, પીઆઈ ગોંડલીયા અને બે પીએસઆઈના નંબર ઉપર પણ સંપર્ક કરી શકાશે
રાજકોટની ગોઝારી અગ્નિકાંડની ઘટનામાં એકતરફ હવે સત્તાવાર રીતે 30 લોકોના મોતની પુષ્ટિ થઇ ચુકી છે જયારે અનેક લોકો લાપતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. વિપક્ષ દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તંત્ર સાચો મોતનો આંકડો છુપાવી રહી છે
ત્યારે કોંગ્રેસે હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ નામે એક નંબર જાહેર કર્યા બાદ હવે પોલીસે પણ લાપતા લોકોની માહિતી માટે હેલ્પલાઇન નંબરની સાથોસાથ ચારેક અધિકારીઓના મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે. જે નંબર પર લાપતા લોકોના પરિજનો સંપર્ક સાધી શકશે અને તેમના પરિજનોની ભાળ મેળવવા માટે પોલીસનો સહકાર મેળવી શકે છે.
રાજકોટ અગ્નિકાંડ મામલે પોલીસે અધિકારીઓના નંબર જાહેર કર્યા છે લાપતા લોકોના પરિવારજનોને સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે. લોકો ડીસીબી પોલીસ સ્ટેશનમાં ટેલિફોન નંબર 0281-2444165 પર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત પોલીસે એસઆઈટીના અધ્યક્ષ અને ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયા, પીઆઈ મેહુલ ગોંડલીયા, પીઆઈ એસ એમ જાડેજા, પીએસઆઈ ડી સી સાકરીયા અને એલસીબી પીએસઆઈ આર એચ ઝાલાનો નંબર જાહેર કર્યો છે.
એસઆઈટીના અધ્યક્ષ ભરત બસિયાને 9033690990 પર સંપર્ક કરી શકાશે. જયારે એસઆઈટીના સભ્ય એમ.આર.ગોંડલીયાને 9687654989 પર, પીઆઈ એસ.એમ.જાડેજા 9714900997, પીએસઆઈ આર.એચ.ઝાલા 9825855350, પીએસઆઈ ડી.સી.સાકરીયા 8000040050નો સંપર્ક કરી શકાશે.
ઉલ્લેખનીય બાબત છે કે, ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે શહેર કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજીને ભયંકર અગ્નિકાંડની કરૂણાંતિકાના બનાવને અને કસુરવારોને બચાવવા જતાં પ્રયાસોને વખોડી કાઢી રોષ વ્યકત કરાયો હતો. વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, પૂર્વ ધારાસભ્ય લલીત કરગથરા, કોંગ્રેસના પ્રવકતાઓ કૃષ્ણદત રાવલ, સંજય લાખાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની હાજરીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પરેશ ધાનાણી અને લલીત કરગથરાએ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે સરકારી તંત્રો પર પ્રહાર કર્યા હતા.
આ તકે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે વેન્ટિલેશન, ઇમરજન્સી ગેઇટ તેમજ ફાયરનાં સાધનો વગર બેરોકટોક ચાલતા ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાથી સૌરાષ્ટ્ર- ગુજરાતે દુ:ખ અનુભવ્યુ છે.
ત્યારે મોતના સાચા આંકડા જાહેર કરવામાં પણ પોલીસ અને કલેકટર વચ્ચે સંકલનનો અભાવ ચાડી ખાય છે. કારણ કે પોલીસતંત્ર 28 બોડી અને કલેકટર તંત્ર 33 મૃતદેહો મળ્યા હોવાનું જાહેર કરે છે.
આથી વિસંગતા જાણી જોઇને ઉભી કરાઇ છે કે સરકારી તંત્રો મોતના આંકડા છુપાવે છે? તેની તપાસ થવી જરૂરી છે.
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સામે આવેલા મૃતાંકના આંકડા શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરી પરેશ ધાનાણીએ કહ્યું કે તા.25 થી આજ સુધી રાજકોટ ફરવા આવેલા અને ગુમ થયેલા પરિવારજનો માટે હેલ્પલાઇન ફોર મિસિંગ લાઇફ કોંગ્રેસ દ્વારા જાહેર કરાઇ છે અને આ માટે મોબાઇલ નંબર 9979900100 જાહેર કરાયો છે. આ નંબર શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનો હોવાનું કહી, લોકો આ નંબર ઉપર અગ્નિકાંડ બાબતે વિગતો આપશે તો સત્ય ઉજાગર કરવા કોંગ્રેસ મહેનત કરશે.
ક્યાં નંબર પર કરી શકાશે સંપર્ક?
એસઆઈટીના અધ્યક્ષ ભરત બસિયાને 9033690990 પર સંપર્ક કરી શકાશે. જયારે એસઆઈટીના સભ્ય એમ.આર.ગોંડલીયાને 9687654989 પર, પીઆઈ એસ.એમ.જાડેજા 9714900997, પીએસઆઈ આર.એચ.ઝાલા 9825855350, પીએસઆઈ ડી.સી.સાકરીયા 8000040050નો સંપર્ક કરી શકાશે. ઉપરાંત ડીસીબી પોલીસ સ્ટેશનમાં ટેલિફોન નંબર 0281-2444165 પર સંપર્ક કરી શકાશે.