ક્રાઈસ્ટ કોલેજની વિધાર્થીની લીંબડ ટીસાએ 11મો રેન્ક મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું ગૌરવ વધાર્યું, 50 મીટર થ્રી પોઝીશનમાં પણ ભાઈઓની ટીમ 12માં ક્રમાંકે આવી

માનવરચના યુનિવર્સીટી, ફરીદાબાદ ખાતે ઓલ ઇન્ડિયા યુનિવર્સીટીની શુટીંગ ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની ભાઈઓ-બહેનોની ટીમોએ પણ ભાગ લીધો હતો. જેમાં બન્ને ટીમોએ ટોપ 15માં રહી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનું ગૌરવ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની રાયફલ શુટીંગની ટિમ અનેક વાર નેશનલ કક્ષાએ ઝળકી છે ત્યારે ફરી વાર ઓલ ઇન્ડિયા લેવલે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ રાયફલ શુટીંગમાં સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું છે.ફરીદાબાદ ખાતે આવેલી માનવરચના યુનિવર્સીટીમાં ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપમાં રાજકોટ ક્રાઈસ્ટ કોલેજની ખેલાડી લીંબડ ટીસાએ 25 મીટર સ્પોર્ટ્સ પિસ્તોલમાં 11મો ક્રમ મેળવ્યો છે.

જયારે ભાઈઓમાં 50 મીટર થ્રી પોઝિસનમાં એચ.એન.શુક્લ કોલેજના ઋતુરાજ ચુડાસમા-અવિનાશ ટીલારા અને હરિવન્દના કોલેજના પ્રેમરાજ પરમારે 12મો ક્રમ મેળવી કોલેજ યુનિવર્સીટીનું ગૌરવ વધાર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના તમામ શુટીંગ રાયફલના ખેલાડીઓ કોચ નેમિષ ભાલોડીયાના નેજા હેઠળ પ્રેક્ટિસ કરે છે. હવે આગામી માર્ચ મહિનામાં  એર રાયફલ અને એર પિસ્તોલ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ખેલાડીઓ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં વર્ષ 2011થી રાઇફલ શુટીંગની ગેમ્સ દાખલ થઇ હતી. ત્યારબાદ 2016થી આ સ્પર્ધાનું આયોજન રાજકોટની હીરાણી કોલેજ દ્વારા કરવામાં આવતું હતું. આ સ્પર્ધા પાછળ હીરાણી કોલેજ લગભગ 30 હજારનો ખર્ચ કરતી હતી. 2016 થી 2022 સુધી ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની રાઇફલ શુટીંગ ટીમે બ્રોન્ઝ-સિલ્વર મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં પણ ટુર્નામેન્ટમાં પણ ગ્લર્સની ટીમે બ્રોન્ઝ મેડલ સૌ.યુનિ.ને અપાવી નેશનલ લેવલે નામ રોશન કર્યું હતું.

જો કે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ખેલાડીઓ ઘણી બધી રમતોમાં અત્યાર સુધીમાં નેશનલ લેવલે ઝળકયા છે ત્યારે યુનિવર્સીટીની સિદ્ધિઓમાં એક બાદ એક સતત વધારો થઈ રહ્યો છે.

તાજેતરમાં જ શુટીંગ ચેમ્પયિંનશિપમાં શ્રેષ્ટ પ્રદશન બદલ ખેલાડીઓને યુનિવર્સીટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી, શારીરિક શિક્ષણ નિયામક ડો.મીનાક્ષીબેન સહિતનાઓએ અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.