6 પેસેન્જરો હતા સવાર : દુર્ઘટનાને પગલે અનેક ફ્લાઈટના સમયને અસર
સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ 9 સીટર વિમાનનું ટાયર ફાટી ગયું હતું. જેને કારણે છ પેસેન્જરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટનાથી એરપોર્ટનો રનવે બે કાલક માટે બંધ કરાયો હતો.
વેન્ચુરા એર કનેક્ટનું સિંગલ એન્જિનવાળું એરક્રાફ્ટ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે ઓચિતું જ ટાયર બર્સ્ટ થયું હતું. જો કે, કેપ્ટને સુરક્ષાપૂર્વક લેન્ડિંગ કરાવી દીધું હતું. આ ઘટનાથી 6 પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પેસેન્જરોની સલામતી જોતા કેપ્ટને એટીસીને જાણ કરતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે પેસેન્જરોને સલામત રીતે એરક્રાફ્ટમાંથી ઊતારી ટર્મિનલ ખાતે પહોંચાડ્યા હતા. ત્યાર બાદ એરક્રાફ્ટને ટો કરીને એપ્રેન સુધી એટલે કે પાર્કિંગ સુધી પહોંચાડાયું હતું.
ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટે આકાશમાં 3 ચક્કાર માર્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી, જ્યારે એર એશિયાની દિલ્હીની ફ્લાઇટે આકાશમાં 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે અમદાવાદથી રાતે 8 વાગ્યે વેન્ચુરાનું 9 સીટર વિમાન ટેકઓફ થયું હતું, જેમાં 6 પેસેન્જર હતા.
આ પ્રકારની ઘટના મોટાભાગે ઉનાળામાં જોવા મળે છે. ગરમીમાં રનવે ગરમ હોય અને તે સંજોગમાં ફ્લાઇટ રનવે પર લેન્ડ થાય તો ટાયર અને રનવે વચ્ચે ભારે ઘર્ષણ પેદા થાય છે. જેને કારણે તાપમાનમાં વધારો થવાના કારણે ફ્લાઇટનું ટાયર ફાટી જાય છે અને ફ્લાઇટ રનવે પરથી લપસી જાય છે.
જો કે, રાત્રી સમયે ટાયર બર્સ્ટ થયું હોય તો તેની પાછળનું મુખ્ય કારણ ઘણા સમયથી ફ્લાઇટનું ટાયર બદલાયું ન હોવાનું એરપોર્ટના તજજ્ઞો જણાવી રહ્યા છે. અલબત્ત, આ ઘટનાની તપાસ થયા બાદ જ ચોક્કસ કારણ જાણવા મળશે.