વ્યવસાયકારોને વેગ આપવા સરકારે 59 મિનિટમાં લોન આપવાની કરેલી જાહેરાતને ચુસ્તપણે વળગી રહેવું પડશે, ઉપરાંત ટેક્સમાં રાહત તેમજ સિંગલ વિન્ડો ઓપરેશન કરવું પણ જરૂરી
અબતક,રાજકોટ
‘અબતક’ ચેનલનો લોકપ્રિય કાર્યક્રમ ‘ચાય પે ચર્ચા’ અંતર્ગત રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશનના પ્રમુખ પરેશ વાસાણી અને ઉપપ્રમુખ યશ રાઠોડ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષોથી ખૂબ જ સાંભળવામાં આવતો શબ્દ ‘સ્ટાર્ટઅપ’ શું છે, તેમાં સરકારનું કેટલું યોગદાન ? અને આમાં સંકળાયેલા વ્યવસાયકારોને પડતી મુશ્કેલીઓ ઉપરાંત સ્ટાર્ટઅપને વધુ વેગવાન કરવા માટે શું કરવું જોઇએ? વગેરે બાબતો અંગેનો વાર્તાલાપ તાજેતરમાં ‘અબતક’ ચેનલ દ્વારા ટેલીકાસ્ટ કરવામાં આવ્યો હતો. જેનું સંક્ષિપ્ત વાર્તાલાપ અહીં રજૂ કરાયો છે.
પ્રશ્ર્ન : રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સ્ટાર્ટઅપની પરિસ્થિતિ શું છે?
જવાબ : જો કે, ઘણા સમયથી સ્ટાર્ટઅપ શબ્દ ખૂબ પ્રચલિત થયો છે અને દિવસેને દિવસે વધુને વધુ તેમાં જોડાય છે. ગ્રેજ્યુએશન અને એન્જીનીયરીંગ કર્યા બાદ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ લઇ અને લોકો આવે છે પરંતુ તેમાં સરકાર દ્વારા જમીનરૂપી યોગ્ય સહાય મળે તો સ્ટાર્ટઅપના વ્યવસાયમાં ખૂબ પ્રગતિ આવી શકે. જો કે, રાજકોટની જીઆઇડીસીમાં સ્ટાર્ટઅપ ખૂબ ઓછા છે. સરકાર જાહેરાતો કરે છે અને વાસ્તવિકતા કંઇક જુદી જ છે. રાજકોટ એન્જીનીયરીંગ, કિચનવેર, હાર્ડવેર વગેરેનું હબ છે. જો કે, આ બાબતે પરંપરાગત ચાલતા વ્યવસાયોના વિકાસ કરવાનો રેશિયો ભારતમાં નજીવો છે. આજના યુવાનો કંઇક નવું કરવા માંગે છે. જો કે, તેની સામે જાપાનમાં 1790માં સ્થાપવામાં આવેલ હોટેલના માલિકની 19મી પેઢી આજે તેજ હોટેલ ચલાવી રહી છે અને ઉત્તરોત્તર તેમાં પ્રગતિ થઇ રહી છે. જો કે, આ વ્યવસાયમાં અનેક પ્રશ્ર્નો સામે આવે છે.
પ્રશ્ર્ન : આજનો યુવાન પોતાનો વ્યવસાય મૂકી મલ્ટીનેશનલ કંપનીમાં શા માટે જોડાય છે?
જવાબ : ગ્રેજ્યુએશન કે એન્જીનીયરીંગ પૂરૂં થયા પછી સ્ટાર્ટઅપના નવા પ્રોજેક્ટ લઇ અને નવો વ્યવસાય શરૂ કરવાની મહેચ્છા ધરાવતા અમુક યુવાનોના પિતા અથવા એમના ભાગીદાર વગેરેનો વ્યવસાય ખૂબ જ ધીકતો હોવા છતાં તેને કંઇક નવું કરવાની ઝંખના જાગે છે તે સ્વભાવીક છે. જેથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મલ્ટીનેશનલ કંપનીમાં જવાથી જુદા-જુદા શહેરોમાં કે ભારતની બહાર જવાની તક મળે અને તેમાં પણ આગળ આવવાની ભાવના સાથે મલ્ટીનેશનલ કંપનીમાં જોડાય છે.
પ્રશ્ર્ન : સ્ટાર્ટઅપ ઉપર ભરોસો કેટલો ?
જવાબ : સ્ટાર્ટઅપની શરૂઆત આર્થિક સ્થિતિ મુજબ થતી હોય છે. સરકાર તરફથી તેમાં સબસીડી પણ મળે પરંતુ સરકાર જે રીતે જાહેરાત કરે છે કે સ્ટાર્ટઅપ શરૂ કરનારને 59 મિનિટમાં લોન મળશે તેવી જાહેરાત મુજબ બેંકો લોન આપતી નથી અને સરકારની સાથે આરબીઆઇનો તાલમેલ ન મળતો હોવાનું પણ નવો વ્યવસાય શરૂ કરનારા પાસેથી જાણવા મળે છે. બેંક સ્ટાર્ટઅપ માટે જે કંઇ લોન આપે છે અને જેઓએ લોન લીધી છે, તે લોકોએ પોતાની ઘણીબધી અક્શ્યામતો બેંક ગેંરટી માટે ગીરવે મુકવી પડે છે. ઉપરાંત સરકાર જે રીતે કહે છે તે રીતે આજ દિવસ સુધી કોઇ સ્ટાર્ટઅપ વ્યવસાયકારને 59 મિનિટમાં લોન આપી હોય તેવો બનાવ બનવા પામ્યો નથી.
પ્રશ્ર્ન : સ્ટાર્ટઅપ શરૂ કરવા યુવકને ટ્રેનિંગ અંગેના વર્કશોપ અને તેમાં કેટલી સફળતા મળે છે ?
જવાબ : સૌરાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા લોકો માટે રાજકોટ એન્જીનીયરીંગ એસોસિએશન દ્વારા અગાઉ પણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવનારા લક્ષ્યાંક કરતા 50 ટકાથી પણ ઓછા લોકો જોડાયા હતાં અને આવા વર્કશોપમાં લોકોનો સહયોગ મળતો નથી. જેનું મુખ્ય કારણ અવેરનેશની ખામીથી લોકો વધુ રસ લેતા નથી.
પ્રશ્ર્ન : અવેરનેશ વધારવા શું કરવું જોઇએ ?
જવાબ : સ્ટાર્ટઅપના નોમ્સ હળવા કરવા, વન ટુ વન સપોર્ટ કરવા, સિંગલ વિન્ડો પ્રોસેસ ચાલુ કરવી અને આવા વ્યવસાયકારોને વ્યવસાયમાં પ્રગતિ અંગે વિશ્ર્વાસમાં લેવા ઉપરાંત સરકાર દ્વારા ટોકન ભાવે જમીનની ફાળવણી કરવી.
પ્રશ્ર્ન : સ્ટાર્ટઅપનો શિક્ષણના અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઇએ ?
જવાબ : જેમ રામાયણ અને મહાભારત જીવન જીવતા શીખડાવે છે, તેમ સ્ટાર્ટઅપને જો શિક્ષણના અભ્યાસક્રમમાં જોડવામાં આવે તો નાનપણથી જ બાળકમાં વ્યવસાય ક્ષેત્રે આગળ આવવાની હિંમત અને સ્ટાર્ટઅપથી થતા ફાયદા-ગેરફાયદા વિગેરેનું જ્ઞાન મેળવી શકે, જેથી અભ્યાસમાં પણ બિઝનેશનો પાઠ હોવો જોઇએ.
પ્રશ્ર્ન : કલસ્ટરનું મહત્વ કેટલું ?
જવાબ : જો કે, વ્યવસાય માટે કલસ્ટર જરૂરી અને ફાયદાકારક છે. પરંતુ પહેલાના સમયમાં વ્યવસાયમાં હેલ્થી કોમ્પીટીશન હતી. અત્યારે આ ક્ષેત્રમાં ચિંટિંગનું પ્રમાણ પણ વધવા પામ્યુ છે. જેથી હેલ્થી કોમ્પીટીશન ન થાય ત્યાં સુધી કલસ્ટર કોઇ કામનું નથી.
પ્રશ્ર્ન : હેલ્થી કોમ્પીટીશન કંઇ રીતે કરવી ?
જવાબ : સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝના નોમ્સ, જીએસટી, ઇન્કમટેક્સ વગેરે હળવા કરવા પડે અને સરકારમાં પણ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ હોવા જરૂરી છે. ભારતમાં ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ અઢળક છે. તેમાં પણ ટેક્સના નોમ્સ અલગ-અલગ છે. દેશના બધા ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ ઇમાનદારી પૂર્વક જો ટેક્સ ભરે તો આવનારું ભારત ખૂબ સરસ થઇ શકે. કલસ્ટર માટે સરકાર પાસે જગ્યાની માંગણી કરવામાં આવી છે, જો કે સરકારે મોરબીમાં ટોય પાર્ક આપ્યુ પરંતુ ત્યાં જમીન ખૂબ જ મોંઘી હોવાના કારણે લોકો વ્યવસાય કરી શકતા નથી, જો કે સરકાર દ્વારા ત્રણ થી ચાર કરોડ રૂપિયા આ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા છે. પરંતુ તે મશીન માટે છે. હવે વાત એ છે કે આ મશીન ગોઠવવા ક્યાં? જ્યારે રાજકોટમાં ઇમીટેશન જ્વેલરી પાર્ક બનાવવા અને એક જ જગ્યાએ તમામ વ્યવસાયો થઇ શકે તે માટે જમીન ફાળવવા માંગણી પણ કરવામાં આવી છે.
પ્રશ્ર્ન : સ્ટાર્ટઅપ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવુ છે?
જવાબ : સરકાર દ્વારા સ્ટાર્ટઅપ માટે જમીન આપવામાં આવી નથી. સબસીડી અને લોન આપે છે. જેમાં શહેરી વિસ્તારમાં માત્ર 5 ટકા સબસીડી જ્યારે ગ્રામ્યમાં 65 ટકા સુધી સબસીડી જાહેર કરવામાં આવી છે. પરંતુ લોકો ખેતીમાં વ્યસ્થ હોય અને તેમાં પણ અવેરનેશના અભાવના કારણે સ્ટાર્ટઅપને વેગ મળતો નથી.
પ્રશ્ર્ન : સ્ટાર્ટઅપ માટે સરકાર પાસે શું અપેક્ષા ?
જવાબ : સ્ટાર્ટઅપને 10 વર્ષ સુધી લીઝ ઉપર જમીન આપવી જોઇએ કારણ કે ભાડાની જગ્યા ખૂબ મોંઘી પડે. સ્ટાર્ટઅપ માટે સરકાર એક પાર્ક બનાવે અને તેમાં 200 થી 300 વારના પ્લોટ પાડી અને ઓછી કિંમતે અથવા તો લીઝ ઉપર સ્ટાર્ટઅપને એ પ્લોટ આપવામાં આવે, વિવિધ ટેક્સમાં રાહત આપવા ઉપરાંત સિંગલ વિન્ડો ઓપરેશન જરૂરી છે.
પ્રશ્ર્ન : સ્ટાર્ટઅપને બેંક પાસે શું અપેક્ષા છે?
જવાબ : આ વાતને ફરી દોહરાવતા રાજકોટ એન્જી.એસો.ના પ્રમુખ વાસાણી અને ઉપપ્રમુખ રાઠોડે જણાવ્યું હતું કે સરકાર 59 મિનિટમાં લોન આપવાની જાહેરાત કરે છે પણ હજુ સુધી કોઇને મળી નથી. સરકાર અને આરબીઆઇની બંને દિશાઓ મળતી નથી અને આ બાબતે બેંકોને ટાર્ગેટ આપી અને આવેલ અરજીઓનો નિકાલ કરવાની સમય મર્યાદા નક્કી કરવી જોઇએ.
પ્રશ્ર્ન : ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ માર્કેટ તમારી દ્રષ્ટિએ કેવું છે ?
જવાબ : દેશનું ડોમેસ્ટીક માર્કેટ ખૂબ સારું છે અને વિદેશોમાંથી પણ ખાસ કરીને રાજકોટમાં ડેલીગેશનો ખરીદી કરવા માટે આવે છે અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ઉદ્યોગોની ઉજળી તકો રહેલી છે.
પ્રશ્ર્ન : વાયબ્રેન્ટ ગુજરાતમાં રાજકોટ એન્જી.ની ભૂમિકા શું ?
જવાબ : વિદેશથી આવતી કંપનીઓને સરકાર વિવિધ સહાયો આપે છે જ્યારે ગુજરાતમાં જ વર્ષોથી ચલાવવામાં આવતા બિઝનેશને પ્રોત્સાહિત કરવા જોઇએ. બહારથી આવતી કંપનીઓને ગુજરાતમાં જમીન પણ આપે છે. આ તમામ બાબતોને જોતા સરકારે ગુજરાતના વ્યવસાયકારો માટે પણ વિચારવું જોઇએ. અંતમાં સ્ટાર્ટઅપ કરવા માંગતા લોકોએ આત્મવિશ્ર્વાસ સાથે મહેનત કરવી જોઇએ અને પોતાની જાત ઉપર ભરોસો રાખી, પોતાની કોઠાસૂઝ અને આત્મબળથી આગળ વધવું જોઇએ.