સમય, સ્થિતિ અને કાળ ક્યારેય યથાવત રહેતા નથી… એક જમાનામાં સમગ્ર દેશ પર એક હથ્થુ રાજકીય પ્રભુત્વ ધરાવતી કોંગ્રેસ અત્યારે છિનભિન્ન થઈ ચૂકી છે. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિમાં કોંગ્રેસની હાલની પરિસ્થિતિ જાળવી રાખવી પણ એક પડકારરૂપ બન્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે સચિન પાઈલોટે બળવો ર્ક્યો હતો ત્યારે મવડી મંડળે પાઈલોટ જુથને કેટલાંક વચનો આપ્યા હતા પણ તે હજુ પુરા ન થતાં સચિન પાઈલોટ ફરી બળવાના મુડમાં આવી ગયા છે.
કોંગ્રેસ મવડી મંડળ પણ વાયદો પુરો ન કરવાનો આક્ષેપ થયો છે. બળવાના કારણે નાયબ મુખ્યમંત્રી પદ ખોયું છે હવે તે અશોક ગેહલોત સામે કાંકરી ગાંડી કરવાના મુડમાં હતા. બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંગ સામે પણ ક્રિકેટર નવજોતસિંહ સિંધુએ બાયો ચડાવી છે. કોંગ્રેસ મવડી મંડળે પણ પંજાબની મેટર સોલ્વ કરવા માટે ત્રણ સભ્યોની સમીતી બનાવી હતી અને બન્ને જુથોને સાથે બેસાડવાની વાત કરી હતી પરંતુ તેમાં કંઈ પરિણામ આવ્યું નથી.
કોરોના દરમિયાન દિવસ-રાત સેવા આપનાર નર્સિંગ સ્ટાફ ફરી હડતાલના માર્ગે
રાજસ્થાન કોંગ્રેસનું ઘર પણ અસંતોષ અને જુથવાદથી ભડકે બળી રહ્યું છે. બારમેરના ધારાસભ્ય ગુડા મલાણીના રાજીનામાના પગલે સચિન પાઈલોટ પરિબળ ફરીથી સરકાર માટે પડકારરૂપ બને તેવું દેખાઈ રહ્યું છે. વિધાનસભાના સ્પીકરે ધારાસભ્યને ગૃહમાં હાજર રહીને રાજીનામુ આપવાની સ્પષ્ટતા કરવા જણાવાયું છે. સચિન પાઈલોટના બળવાખોર અંદાજથી રાજસ્થાન કોંગ્રેસની નાવડી હાલક-ડોલક થઈ છે ત્યારે રાજસ્થાન કોંગ્રેસને ઉડાળવામાં પાઈલોટ કેવા સફળ થાય છે તેના પર તમામની મીટ છે.
કોંગ્રેસની સ્થિતિ મજધારમાં ફસાયેલી નાવ જેવી થઈ ગઈ છે. દેશના મહત્વના રાજ્યોની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેવા સંજોગોમાં અલગ અલગ રાજ્યોની કોંગ્રેસ પરિવારની યાદવાસ્થળી ચૂંટણી સુધીમાં મોવડીઓ માટે માથાનો દુ:ખાવો બની રહેશે. એક તરફ પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશ જેવા મહત્વના રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો છે અને કોંગ્રેસને પુન: બેઠી કરવાની આશાઓ સેવાઈ રહી છે ત્યારે રાજસ્થાન, પંજાબ રાજ્યમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે શરૂ થયેલી હુંસાતુંસીની પરિસ્થિતિ કોંગ્રેસને ક્યાં લઈ જશે તે આવનારો સમય બતાવશે.