૩૦ હજાર જેટલી પી.જી. મેડિકલ બેઠકો માટે કાર્યવાહી: ૩૧મીએ પરિણામ
પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે લેવામાં આવતી પી.જી.નીટ તા.૭મી જાન્યુઆરી લેવામાં આવશે. જેનુ પરિણામ તા.૩૧મી જાન્યુઆરી સુધીમાં જાહેર કરાશે. ચાલુ વર્ષે પી.જી.નીટના મારફતે અંદાજે ૨૫ હજાર બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે પી.જી.મેડિકલની પાંચ હજાર જેટલી બેઠકો વધારવાની જાહેરાત કરી છે. જે પ્રમાણે આગામી વર્ષે થનારી પ્રક્રિયામાં અંદાજે ૩૦ હજાર જેટલી પી.જી.મેડિકલની બેઠકો માટે કાર્યવાહી કરાશે. જે પ્રમાણે ગુજરાતમાં પણ ૪૦૦ જેટલી બેઠકોના વધારે સાથે ૧૮૪૩ બેઠકો ઉપલબ્ધ છે.
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટે અત્યાર સુધી ગુજરાત સહિત દરેક રાજયોમાં યુનિવર્સિટીઓ દ્વારા પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવતી હતી. પરંતુ વર્ષ ૨૦૧૭માં દેશની તમામ પી.જી.મેડિકલની બેઠકો પર પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના માધ્યમથી જ પ્રવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન (એનબીએ) દ્વારા સમગ્ર દેશમાં એકસાથે પી.જી.નીટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. હવે તા.૭મી જાન્યુઆરીના રોજ ૩૦ હજારથી વધારે પી.જી.મેડિકલની બેઠકો માટે નીટ લેવામાં આવશે. જેનુ પરિણામ ૩૧મી જાન્યુઆરીએ જાહેર કરી દેવામાં આવશે.
આગામી દિવસોમાં પી.જી.નીટ માં રિઝર્વેશન, ઇન સર્વિસ ડોક્ટરો માટે કેટલી બેઠકો અનામત રાખવી તે સહિતના નિયમોની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે ગુજરાતમાં ૪૦૦ બેઠકો વધતાં હાલમાં કુલ ૧૮૪૩ જેટલી પી.જી.મેડિકલની બેઠકો અસ્તિત્વમાં છે. જેમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં જ ૩૮૦થી વધારે બેઠકો છે. ગતવર્ષે પહેલી વખત લેવાયેલી પી.જી.નીટના કારણે ભારે વિવાદ ઉભો થયો હતો. ઇન સર્વિસ ડોક્ટરો માટે કેટલી બેઠકો અનામત રાખવી તે મુદ્દે ભારે વિસંગતતાના કારણે સુપ્રીમ કોર્ટમાં રીટ કરવામાં આવી હતી. પરિણામે સમગ્ર પ્રક્રિયા દોઢ માસ મોડી શરૂ કરવી પડી હતી. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રેફરન્સના મુદ્દે પણ ભારે વિરોધ કર્યો હતો. આગામી વર્ષે આ પ્રકારના વિવાદ ન થાય તે માટે નેશનલ બોર્ડ ઓફ એકઝામીનેશન દ્વારા આગામી દિવસોમાં પ્રવેશ પ્રક્રિયામાં કેટલી અને કેવી રીતે બેઠકો અનામત રહેશે તે સહિતની જાહેરનામુ કરાશે.