ફિલ્મોનું વ્યકિતના અંગત જીવનમાં પણ ઘણું યોગદાન રહે છે: વ્યકિતને એમ જ લાગ્યા કરે છે કે ફિલ્મમાં જે થાય છે તેવું તેની સાથે થવું પણ જરૂરી છે
જીવનનું પિકચર સિનેમાના પિકચર કરતા અલગ અને અણધાર્યા ટ્વીસ્ટવાળું હોય છે. આ વાતને સમજતા કદાચ લોકોને એક ઈન્ટરવેલ જોઈશે.
આપણા ફિલ્મોમાં વરસાદ આવે ત્યારે હિરોભાઈ અને હિરોઈનબુનને હંમેશા કંઈક ઉભી ઉપડે છે જેના કારણે આપણને ઘણા સારા ગીતો અને ગીતકારો પણ મળ્યા છે. લેકીન રિયાલિટી મેં ખેલ કુછ ઔર હૈ જનાબ. રિયાલિટીમાં નાયકને એની પત્નીના લાયક સમજે છે જે હંમેશા મંગાવેલી વસ્તુઓ લાવવાનું ભૂલી જાય છે.
પરિણામે નાયકને વરસાદ વેરી અને ઝેરી લાગે છે. અમારી શેરીમાં કાકાને વરસાદ આવેને વાય ઉપડે. કાકા શેરીમાં વરસાદ આવે એટલે બહારે આવીને જોરજોરથી બૂમો પાડવા માંડે ભજીયા કોની ઘરે બને છે, ગાંઠિયા કોણ બનાવે છે, ગરમાગરમ થેપલા કોણ બનાવે છે?
હરખઘેલા કાકાને શેરીમાંથી અજાણ્યા ધ્વનિ સંભળાયા કરે છે કે ગટરનું ઢાંકણું ખોલી આવો, સ્કૂલની રિક્ષા આજે નાકે ઉભી રેશે મારા બાબાને તેડતા આવો, અને છેલ્લો અવાજ જાણીતો હોય છે કાકી શેરી વચ્ચે કાકાને બૂમો પાડીને કહે છે કે તમે આજેય અગાશીએથી કપડાં લેવાનું ભૂલી ગયા? બસ અને પછી ભજીયાના સપના જોતા કાકા-કાકીના હાથનો માર અને સ્વાદ અનુસાર ગાળો ખાય છે.
પણ આ વખતે રાકલો કશું બોલતો નથી. ક્યારેય મૂંગા ન રહેવાની જેને વર્ષોથી વણ માનેલી માનતા છે તે રાક્લો આજે મૌનમાં ગળકાવ છે. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વરસાદમાં રીલ બનાવતા બનાવતા તેને અંડર વોટરની જગ્યાએ અંડર બિલ્ડિંગ શોટ લઈ લીધો છે અને હવે ફોન તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે, ઑક્સિજન માટે રાકલાએ પૂરપાટ ઝડપે ગાડી દોડાવી છે સર્વિસ સ્ટેશન તરફ અને હવે ફોન રિકવરી મોડમાં છે. હું જાવ છું રાકલાના ઘરે તેના ફોનને જોવા અને તમે માણો મોંઘેરા મે’માન મેઘરાજાને. ઋતિકના રામે રામ